દ્વારકા ગોમતી નદીમાં દુર્ઘટના: રાજકોટના બે યુવકો ડૂબ્યા, એકને ફોટોગ્રાફરે બચાવ્યો



દ્વારકા ગોમતી નદીમાં દુર્ઘટના: રાજકોટના બે યુવકો ડૂબ્યા, એકને ફોટોગ્રાફરે બચાવ્યો



દ્વારકા: દ્વારકામાં ગોમતી નદીમાં ન્હાવા પડેલા રાજકોટના બે યુવકો ડૂબ્યા.. ગોમતીધાટ પરના ફોટોગ્રાફરે એકને બચાવ્યો .૨૧ વર્ષીય વિશાલ પરમાર હજુ લાપતા.. ફાયર વિભાગની ટીમ દ્વારા શોધખોળ શરૂ..
યાત્રાધામ દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં આજે એક હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે, જ્યાં ન્હાવા પડેલા રાજકોટના બે યુવાનો અચાનક ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. આ કટોકટીના સમયે નદી કિનારે હાજર એક સ્થાનિક ફોટોગ્રાફરે અદભુત હિંમત અને ત્વરિત સૂઝબૂઝ દાખવીને તાત્કાલિક નદીમાં ઝંપલાવ્યું હતું અને એક યુવકને ડૂબતો આબાદ બચાવી લીધો હતો. જોકે, અન્ય એક યુવક જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
નદીમાં લાપતા થયેલા યુવકની ઓળખ ૨૧ વર્ષીય વિશાલ પરમાર તરીકે થઈ છે. તે રાજકોટનો રહેવાસી હતો અને પોતાના પરિવાર સાથે કોઈ સામાજિક કાર્ય અર્થે દ્વારકાની મુલાકાતે આવ્યો હતો. પરિવાર સાથે ધાર્મિક પ્રવાસે આવેલા યુવક સાથે સર્જાયેલી આ અણધારી દુર્ઘટનાને પગલે પરિવાર સહિત સ્થાનિક લોકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનીક પોલીસ કાફલો, નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા નદીના ઊંડા પાણીમાં લાપતા યુવકની શોધખોળ માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ દુર્ઘટનાને પગલે વહીવટી તંત્ર દ્વારા યાત્રાધામમાં આવતા તમામ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને ગોમતી નદીના ઊંડા પાણીમાં ન્હાવા ન જવા માટે અપીલ કરવામાં આવી છે.




