વૃદ્ધ દંપતીને લસ્સીમાં કેફી પદાર્થ પીવડાવી લૂંટનાર મહિલા પકડાઈ



વૃદ્ધ દંપતીને લસ્સીમાં કેફી પદાર્થ પીવડાવી લૂંટનાર મહિલા પકડાઈ



અમદાવાદ અમદાવાદ શહેરમાં એકલાં રહેતા લોકો અને વૃદ્ધોને નિશાન બનાવી નશીલા પદાર્થ આપીને ચોરી કરતી મહિલા આરોપીને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડી છે. પોણો ડઝન જેટલા ગુનાઓમાં સંડોવાઈ ચૂકેલી અને અગાઉ જેલવાસ ભોગવી ચૂકી આ મહિલાની ધરપકડ સાપરાધ મનુષ્યવધ જેવા ગંભીર ગુનામાં કરવામાં આવી છે.
પકડાયેલી આરોપી લતા ચૌહાણ ઉર્ફે ગુલાબ ઉર્ફે લકડી (ઉંમર 55) શહેરના કોટ વિસ્તારમાં ભાડાના મકાન બદલતી રહેતી હતી અને એકલવાયા લોકો તથા વૃદ્ધોને નિશાન બનાવતી હતી. તે પહેલા પણ કેફી પદાર્થ પીવડાવી ચોરીના ગુનામાં સંડોવાઈ ચૂકી છે.
પોલીસ તપાસ મુજબ, ગત 17 એપ્રિલે દરિયાપુર વિસ્તારમાં દિલ્હી ચકલા પાસે રહેતા અબ્દુલભાઈ સિપાઈ (ઉંમર 80) અને તેમની પત્ની જુબેદાબહેન ઘરે એકલા હતા ત્યારે આરોપી મહિલાએ તેમને વાતોમાં ભોળવી કેફી પદાર્થ મિશ્રિત લસ્સી પીવડાવી હતી. લસ્સી પીધા બાદ બંને બેહોશ થઈ ગયા હતા, જેના પગલે આરોપી રોકડ રકમ લઈને ફરાર થઈ ગઈ હતી.
ઘટનાના પગલે અબ્દુલભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ ઘટનાને પગલે દરિયાપુર પોલીસે વિવિધ સીસીટીવી ફૂટેજ એકત્ર કરી તપાસ હાથ ધરી હતી.
આ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાંચના પીઆઈ ડી.બી. પટેલની ટીમે ટેક્નિકલ અને માનવ સૂત્રોના આધારે આરોપી સુધી પહોંચીને તેને ઝડપી પાડી છે. આ સાથે સાપરાધ મનુષ્યવધના કેસનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.
પોલીસે આરોપી સામે વધુ તપાસ હાથ ધરી છે અને તે અન્ય કેટલા ગુનાઓમાં સંડોવાયેલી છે તેની પણ પૂછપરછ ચાલી રહી છે.




