Get News Alerts

Never miss breaking news updates.

ગોળીઓના અવાજ હજુ ગૂંજેછે: એક વર્ષ બાદ પણ ભાવનગરની માતાના આંખોમાં જીવંત છે એ દૃશ્ય

પહેલગામમાં આંતકવાદી હુમલાને આજે બરાબ ર એક વર્ષ પૂર્ણ થયુ છે. પરંતુ હજુ સુધી ભારત આ આંતકવાદી હુમલાને ભૂલાવી શક્યુ નથી. ખાસ કરીને ગુજરાતના ભાવનગરમાં રહેતા માતા હજુ સુધી આ હુમલાને યાદ છે. જેમાં તેમને એક ક્ષણમાં પોતાના પતિ અને એક પુત્રને ગુમાવ્યો હતો. જે હસતો ખેલતો પરિવાર તૂટી ગયો હતો. માતાની સામે જ પુત્રને ગોળી વાગતા જીવ ગુમાવ્યો હતો. તે દિવસ આજે યાદ કરીને માતાની આંખમાં આસુ આવી જાય છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 22 Apr 2026 11:42 AM IST
ગોળીઓના અવાજ હજુ ગૂંજેછે: એક વર્ષ બાદ પણ ભાવનગરની માતાના આંખોમાં જીવંત છે એ દૃશ્યગોળીઓના અવાજ હજુ ગૂંજેછે: એક વર્ષ બાદ પણ ભાવનગરની માતાના આંખોમાં જીવંત છે એ દૃશ્ય

ભાવનગર: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. પરંતુ હજુ સુધી ભારત આ આંતકવાદી હુમલાને ભૂલાવી શક્યુ નથી. ખાસ કરીને ગુજરાતમાં આવેલા  ભાવનગરના એક પરિવારમાં પડેલા આ ઘાને ભરી શક્યો નથી. પતિ અને 17 વર્ષીય દીકરાને એક જ ક્ષણે ગુમાવનાર કિરણબેન પરમાર માટે એ દિવસ આજે પણ જીવંત દુઃસ્વપ્ન સમાન છે.

ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યતિશભાઈ પરમાર પોતાના પત્ની કિરણબેન અને દીકરા સ્મિત સાથે જમ્મુ-કાશ્મીરના પહેલગામ ફરવા ગયા હતા. પરિવાર માટે આ પ્રવાસ આનંદ અને યાદગાર ક્ષણો બનાવવાનો હતો, પરંતુ 22 એપ્રિલ 2025નો દિવસ તેમના માટે ક્યારેય ન ભૂલાય તેવી દુઃખદ ઘટના બની ગયો. તે દિવસે આતંકવાદીઓએ પહેલગામમાં ફરવા આવેલા નિર્દોષ યાત્રિકો પર અચાનક અંધાધૂંધ ગોળીબાર ચાલુ કરી દેવામાં આવ્યો હતો. અને લોકો આમ તેમ દોડવા લાગ્યા હતા. લોકોને ખબર જ નહી કે આ શુ થઈ રહ્યું છે. 

આ હુમલામાં યતિશભાઈ પરમાર અને તેમના 17 વર્ષીય દીકરા સ્મિત પરમારનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું, જ્યારે કિરણબેન પરમાર બચી ગયા હતા. એક પળમાં જ હસતો-ખેલતો પરિવાર તૂટી ગયો. પતિ અને દીકરાની સામે ગોળીઓ વાગતા જોવાનો આઘાત કિરણબેન આજે પણ ભૂલી શક્યા નથી. તેના કારણે તેમને આજ દિન સુધી આ દિવસ તેમને યાદ છે.

ઘટનાને આજે બરાબર એક વર્ષ પૂર્ણ થયું છે. આ પ્રસંગે કિરણબેને જણાવ્યું કે, “એક વર્ષ થઈ ગયું છે, પરંતુ એ દિવસ અને એ દ્રશ્યો આજે પણ આંખો સામે જ છે. દરેક દિવસ એ યાદો સાથે જ પસાર થાય છે.” તેમના અવાજમાં છલકાતી પીડા સ્પષ્ટ જણાઈ આવતી હતી.

ઘટના બાદ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભાવનગર આવી પરિવારને સાંત્વના આપી હતી અને સરકાર તરફથી સહાય પણ આપવામાં આવી હતી. કિરણબેને વડાપ્રધાન દ્વારા હાથ ધરાયેલા ‘ઓપરેશન સિંદૂર’ માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે સરકાર દ્વારા મળેલી અંદાજે ₹10 લાખની આર્થિક સહાયથી થોડી રાહત મળી છે, પરંતુ ગુમાવેલા પરિવારજનોની ખોટ ક્યારેય પૂરી થઈ શકે તેમ નથી.

હાલ કિરણબેન પોતાના મોટા દીકરા અભિષેક સાથે સગાસંબંધીઓ પાસે રહે છે અને જીવનને ફરી સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત નાજુક રહેતા તેમને હોસ્પિટલમાં સારવાર લેવી પડી રહી છે. છાતીમાં દુખાવા સાથે માનસિક તાણનો સામનો તેઓ કરી રહ્યા છે. એક તરફ શારીરિક પીડા છે, તો બીજી તરફ મનમાં સતત જીવંત રહેલી એ દુઃખદ ઘટના.

કિરણબેનની સરકાર પાસે એક જ અપેક્ષા છે કે તેમના મોટા દીકરા અભિષેકને નોકરી મળે. “જો દીકરાને નોકરી મળી જાય તો અમારું ભવિષ્ય થોડું સુરક્ષિત બની શકે,” એમ તેમણે જણાવ્યું હતું. સાથે જ તેમણે દેશના વડાપ્રધાનને એકવાર મળવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે.

આ ઘટના માત્ર એક આતંકવાદી હુમલો નહોતી, પરંતુ એક પરિવારના સપનાઓ અને ખુશીઓને એક જ પળમાં ખંડેર બનાવી નાખનાર ઘટના હતી. એક વર્ષ બાદ પણ કિરણબેન માટે જીવન આગળ વધારવું એક સંઘર્ષ બની રહ્યું છે.

પહેલગામનો એ કાળો દિવસ આજે પણ તેમની યાદોમાં ગોળીઓના અવાજ સાથે ગૂંજતો રહે છે… અને દરેક સવારે તેમને યાદ અપાવે છે કે, તેઓએ શું ગુમાવ્યું છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.