રાજકોટમાં બેફામ ટ્રકનો આતંક: કાલાવડ રોડ પર અકસ્માત, એક્ટિવા ચાલક ઇજાગ્રસ્ત



રાજકોટમાં બેફામ ટ્રકનો આતંક: કાલાવડ રોડ પર અકસ્માત, એક્ટિવા ચાલક ઇજાગ્રસ્ત



રાજકોટ રાજકોટ શહેરમાં ફરી એકવાર બેદરકાર વાહનચાલનને કારણે ગંભીર અકસ્માત સર્જાયો છે. શહેરના કાલાવડ રોડ નજીક આવેલા શ્યામલ ઉપવન પાસે એક બેફામ દોડતી ટ્રકે કાર અને એક્ટિવા ચાલકને અડફેટે લેતાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ બનાવને પગલે આસપાસના વિસ્તારમાં ભારે ગભરાટનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, ટ્રક ચાલક દ્વારા ખૂબ જ બેદરકારીપૂર્વક અને ઝડપથી ટ્રક હંકારી રહ્યા હતા. અચાનક નિયંત્રણ ગુમાવતા ટ્રકે રસ્તા પર જઈ રહેલી કાર અને એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે એક્ટિવા ચાલક રોડ પર ફંગોળાઈ ગયો હતો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક સ્થાનિક લોકો દ્વારા ઇજાગ્રસ્તને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલુ છે.
અકસ્મત બાદ ઘટનાસ્થળે ભારે હોબાળો મચી ગયો હતો. સ્થાનિક લોકોમાં ટ્રક ચાલક પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોનો આરોપ હતો કે ટ્રક ચાલક બેફામ રીતે વાહન ચલાવી રહ્યો હતો અને એ કારણે આ અકસ્માત સર્જાયો છે. ગુસ્સે ભરાયેલા લોકોએ ટ્રકને અટકાવી ચક્કાજામ કર્યો હતો, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી અને લાંબી વાહનોની કતારો લાગી ગઈ હતી.
ઘટનાની જાણ થતા જ રાજકોટ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા અને લોકોમાં શાંતિ જાળવવા અપીલ કરી હતી. પોલીસ દ્વારા ટ્રક ચાલકને ઝડપી લેવામાં આવ્યો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પોલીસના પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટ્રક ચાલકની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આસપાસના CCTV ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે જેથી ઘટનાની ચોક્કસ વિગતો સામે આવી શકે.
આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન ન થતું હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે. વારંવાર થતા આવા અકસ્માતોને પગલે નાગરિકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. લોકોની માંગ છે કે આવા બેદરકાર વાહનચાલકો સામે કડક પગલાં લેવામાં આવે અને શહેરમાં ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવામાં આવે.
રાજકોટમાં વધતા અકસ્માતોના કેસોને જોતા ટ્રાફિક પોલીસ માટે પણ આ એક ચિંતાનો વિષય બની ગયો છે. જો સમયસર કડક કાર્યવાહી નહીં થાય તો આવનારા સમયમાં વધુ ગંભીર અકસ્માતો સર્જાઈ શકે છે.




