સાવરકુંડલામાં વસ્તી ગણતરી ફેઝ-2 તાલીમ દરમિયાન શિક્ષકોમાં રોષ, વ્યવસ્થાના અભાવે કચવાટ



સાવરકુંડલામાં વસ્તી ગણતરી ફેઝ-2 તાલીમ દરમિયાન શિક્ષકોમાં રોષ, વ્યવસ્થાના અભાવે કચવાટ



સાવરકુંડલા : અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં વસ્તી ગણતરીના ફેઝ-2 અંતર્ગત ચાલી રહેલી તાલીમ દરમિયાન શિક્ષકોમાં ભારે અકળામણ જોવા મળી છે. સાવરકુંડલાની કે.કે. હાઈસ્કૂલ ખાતે યોજાઈ રહેલી આ તાલીમ દરમિયાન યોગ્ય વ્યવસ્થાઓના અભાવે શિક્ષકોમાં કચવાટની લાગણી ઉભી થઈ છે.
મળતી માહિતી મુજબ, તાલીમ દરમિયાન વ્યવસ્થાની અછતના કારણે પરિસ્થિતિ અસંતોષજનક બની હતી. આ દરમિયાન હાડીડા ગામની શિક્ષિકા ગીતાબેનની તબિયત અચાનક લથડી જતા અન્ય શિક્ષકોમાં પણ રોષની લાગણી વધુ વધી હતી.
અમરેલી જિલ્લાના કેટલાક તાલુકાઓમાં વસ્તી ગણતરીની તાલીમ સવારના સમયમાં યોજાઈ રહી છે, જ્યારે સાવરકુંડલામાં બપોરના સમયે તાલીમ રાખવામાં આવતા શિક્ષકોમાં અસંતોષ વધુ જોવા મળી રહ્યો છે.
શિક્ષકો દ્વારા તંત્રને અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં ન લેવાતા તંત્રની ચુપકીદી સામે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.
કુલ મળીને લગભગ 350 જેટલા શિક્ષકોની વસ્તી ગણતરી તાલીમ દરમિયાન યોગ્ય વ્યવસ્થાના અભાવે પરિસ્થિતિ વિકટ બની હોવાનો શિક્ષકોમાં આક્ષેપ છે. તાલીમ વ્યવસ્થાની અણઆવડતને લઈને તંત્રની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે.




