સુરતમાં કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર. પાટીલના હસ્તે 116 કરોડની યોજનાઓનું લોકાર્પણ-શિલાન્યાસ



સુરતમાં કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર. પાટીલના હસ્તે 116 કરોડની યોજનાઓનું લોકાર્પણ-શિલાન્યાસ



સુરતઃ શહેરમાં કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર. પાટીલ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ દ્વારા પીપલોદ પોલીસ લાઇન, રાંદેર પોલીસ લાઇન, ભેસ્તાન પોલીસ સ્ટેશન, ACPJ ઓફિસ, લાજપોર સેન્ટ્રલ જેલ અને સુરત જિલ્લા મરિન ટાસ્ક ફોર્સ મળીને કુલ 116 કરોડ રૂપિયાની વિભિન્ન પરિયોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર. પાટીલે સંબોધનમાં ખૂબ જ આનંદ વ્યક્ત કરતા કહ્યુ હતુ કે, તેમણે પોતે પણ પોતાના જીવનનો એક ભાગ 'પોલીસ લાઇન'માં વિતાવ્યો હતો. કોઈએ ક્યારેય આટલી ઉચ્ચ ગુણવત્તાવાળા ઘરોની કલ્પના પણ નહોતી કરી. પીપલોદ જેવા વિસ્તારોમાં આટલી ગુણવત્તાવાળા ફ્લેટની કિંમત ₹50 લાખથી વધુ હોય છે. આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને સુરત પોલીસ કમિશનરને સુરત પોલીસ કર્મચારીઓના બાળકો માટે આંગણવાડીઓ અને રસોડાના ફર્નિચરની વ્યવસ્થા કરવાની પહેલ બદલ અભિનંદન. સમગ્ર રાજ્યમાં 20,000 પરિવારોને આવરી લેવા માટે એક યોજના ઘડવામાં આવી છે. આ સાથે સીઆર પાટીલે પોલીસ કર્મચારીઓને પોતાના હિતમાં ફ્લેટ સુરક્ષિત રાખવા અપીલ કરી હતી.
પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, જો રાજ્ય સરકાર પોલીસ કર્મચારીઓ માટે આવી જોગવાઈઓ કરે છે, તો સમાજને પણ તેમની પાસેથી ચોક્કસ અપેક્ષાઓ રહેશે. તેમણે જનતા સાથે નમ્ર વાણી અને વર્તન જાળવવું જોઈએ અને બિનજરૂરી અસભ્યતાથી દૂર રહેવું જોઈએ; આ હેતુ માટે શિસ્ત જરૂરી છે.
પહેલાં પોલીસ કર્મચારીઓમાં બીજાઓને મદદ કરવાની માનસિકતા નહોતી. જો કે, બદલાતા સમય સાથે તેમણે પોતાનો દ્રષ્ટિકોણ બદલ્યો છે - તેમની નૈતિક જવાબદારીઓ, ફરજો અને અધિકારોને ઓળખ્યા છે અને તેના કારણે પોલીસ દળની છબીમાં સુધારો થયો છે.
સરહદ પર તૈનાત સૈનિકો પણ ખાખી પહેરે છે અને રાષ્ટ્ર અને તેના નાગરિકોની સેવા કરવા માટે સમર્પિત હોય છે અને લોકો તેમનો આદર કરે છે. તેનાથી વિપરીત, દેશને તેની સરહદોની અંદર ગુનેગારોથી સુરક્ષિત રાખનારા પોલીસ કર્મચારીઓ પણ એટલું જ મહત્વપૂર્ણ કાર્ય કરે છે. પાટીલે પોલીસ કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી અને જે તમામ કર્મચારીઓને પોલીસ આવાસ ફાળવવામાં આવ્યા છે તેમને તેને પોતાનું ઘર માનવા વિનંતી કરી હતી.




