સુરતના પાંડેસરાની કૃષ્ણા જ્વેલર્સ ચોરીનો ભેદ ઉકેલાયો, 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે



સુરતના પાંડેસરાની કૃષ્ણા જ્વેલર્સ ચોરીનો ભેદ ઉકેલાયો, 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે



Surat News: સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી કૃષ્ણા જ્વેલર્સમાં થયેલી ચોરીના ગુનામાં પાંડેસરા પોલીસને મહત્વની સફળતા મળી છે. પોલીસે ચોરીના ગુનામાં રૂ. 5.83 લાખનો મુદ્દામાલ શોધી કાઢ્યો છે, જ્યારે આરોપીઓની શોધખોળ હજુ પણ ચાલુ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, 27 અને 28 જૂનની રાત્રે અજાણ્યા ચોરોએ દુકાનની છતના પતરા કાપીને અંદર પ્રવેશ કર્યો હતો અને આશરે રૂ. 7.62 લાખના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
આ ઘટના બાદ પાંડેસરા પોલીસે ઘટનાસ્થળ આસપાસના CCTV ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે બે આરોપીઓએ પોતાની ઓળખ છુપાવવા માટે અલગ-અલગ રિક્ષાઓ બદલી હતી અને ત્યારબાદ સુરતથી ટ્રાવેલ્સ બસ મારફતે કાનપુર તરફ ભાગી ગયા હતા.
પોલીસે ટ્રાવેલ્સ બસના ડ્રાઇવરનો સંપર્ક કરી આરોપીઓના ફોટા મોકલતાં બંનેને શંકા જતાં તેઓ બસની બારીમાંથી કૂદીને ફરાર થઈ ગયા હતા. જો કે, ભાગદોડ દરમિયાન ચોરીના દાગીનાથી ભરેલો થેલો બસના સ્ટાફના હાથે રહી ગયો હતો.
બસ સ્ટાફે આ થેલો ઉત્તર પ્રદેશના કાનપુર નજીક આવેલા રનિયા પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યો હતો. ત્યારબાદ પાંડેસરા પોલીસે ફરિયાદી સાથે ટીમ મોકલી રૂ. 5.83 લાખનો મુદ્દામાલ કબજે લેવાની કાર્યવાહી હાથ ધરી હતી.
હાલ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં તપાસ તેજ કરી છે. CCTV ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે મળેલી આ સફળતાને પોલીસ માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.




