સુરત SBI લૂંટકાંડ: 52 લાખની લૂંટ બાદ 6 દિવસ પછી બાઈક મળી પરંતુ આરોપીઓ હજી ફરાર



સુરત SBI લૂંટકાંડ: 52 લાખની લૂંટ બાદ 6 દિવસ પછી બાઈક મળી પરંતુ આરોપીઓ હજી ફરાર



સુરત: Suratમાં State Bank of India (SBI)ની બ્રાંચમાં થયેલા 52 લાખ રૂપિયાના દિવસદાઢે લૂંટકાંડને 6 દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસ હજુ સુધી આરોપીઓને પકડવામાં સફળ થઈ નથી. જોકે તપાસ દરમિયાન લૂંટમાં ઉપયોગમાં લેવાયેલ ત્રણ બાઈક મળી આવ્યા છે.
પોલીસ મુજબ, ગયા સોમવારે બપોરે અંદાજે 1 વાગ્યે વરાછા વિસ્તારના લંબે હનુમાન રોડ સ્થિત SBI બ્રાંચમાં પાંચ શખ્સો હથિયાર સાથે ઘૂસી આવ્યા હતા. તેમણે સ્ટાફ અને ગ્રાહકોને બંદૂકની અણીએ ધમકાવીને આશરે 52 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી.
આ દરમિયાન સર્વિસ મેનેજર કિરણ પ્રકાશ ભોગે, કેશિયર અનિલ રાઠોડ, જુનિયર એસોસિયેટ કાર્તિક પ્રજાપતિ, ક્રેડિટ કાર્ડ કર્મચારી રિદ્વિબેન, પિયોન ગૌરવ ચૌધરી, ATM ગાર્ડ ગજેન્દ્ર પાટીલ સહિત અન્ય ગ્રાહકોને ધમકાવવામાં આવ્યા હતા.
લૂંટારૂઓએ ચહેરા ઢાંક્યા વગર જ આ ઘટના અંજામ આપી અને ત્રણ બાઈક પર ભાગી છૂટ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ટ્રેકિંગથી બચવા માટે રસ્તામાં મોબાઈલ ફોન ફેંકી દીધા હતા અને સતત સ્થાન બદલતા રહ્યા છે.
પોલીસે જણાવ્યું કે આરોપીઓ છેલ્લે રાંદેર-ડાંડી રોડ વિસ્તારમાં જોવા મળ્યા હતા, જેના આધારે ત્યાં વિશેષ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બીજી તરફ, કિમ-કોસંબા રોડ પરથી લૂંટમાં ઉપયોગમાં લેવાયેલા ત્રણેય બાઈક બિનવારસદાર હાલતમાં મળી આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બાઈક પર લગાવેલા નંબર પ્લેટ નકલી હતા. હાલમાં પોલીસ ચેસિસ નંબર અને અન્ય ફોરેન્સિક માહિતીના આધારે વાહનોના માલિકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
આ ઘટનાને કારણે શહેરમાં ચકચાર મચી છે અને પોલીસ પર ઝડપથી આરોપીઓને ઝડપી પાડવાનો દબાણ વધ્યો છે.




