Surat : જાહેરમાં કચરો ફેંકવો ભારે પડ્યો, સુરત મનપાની ડ્રાઇવમાં 50થી વધુ લોકો ઝડપાયા


Surat
Surat : જાહેરમાં કચરો ફેંકવો ભારે પડ્યો, સુરત મનપાની ડ્રાઇવમાં 50થી વધુ લોકો ઝડપાયા


Surat
Surat : બમરોલી ખાડી પાસે કેટલાક લોકો દ્વારા કચરાની થેલીઓ જાહેર માર્ગ અને ખાડી કિનારે ફેંકવામાં આવતી હોવાની ફરિયાદો અને ગંદકીના કારણે મનપાના આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. ટીમે સ્થળ પર અચાનક પહોંચીને જાહેરમાં કચરો ફેંકતા 50થી વધુ લોકોને ઝડપી પાડ્યા હતા. જાહેર સ્થળે ગંદકી ફેલાવનારા લોકો પાસેથી સ્થળ પર જ દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, કચરો ફેંકનારાઓ પાસેથી કુલ ₹1,800નો દંડ વસૂલવામાં આવ્યો હતો. મનપાની ટીમ દ્વારા લોકોને જાહેર સ્થળો પર કચરો નહીં ફેંકવા અને શહેરની સ્વચ્છતા જાળવવા માટે સમજાવવામાં પણ આવ્યા હતા.
બમરોલી ખાડી પાસે મનપાની અચાનક કાર્યવાહી
આ કાર્યવાહીમાં પકડાયેલી એક મહિલાએ હાથ જોડીને મનપાના અધિકારીઓ સમક્ષ માફી માંગી હતી. મહિલાએ જણાવ્યું હતું કે, “હવે જાહેરમાં કચરો નહીં ફેંકું.” મહિલાના આ નિવેદનનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે હાથ જોડીને પોતાની ભૂલ સ્વીકારતી જોવા મળે છે. મનપાની ટીમની અચાનક કાર્યવાહીથી કચરો ફેંકવા આવેલા લોકોમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો. કેટલાક લોકો સ્થળ પરથી દૂર જવાનો પ્રયાસ કરતા હોવાનું પણ સામે આવ્યું હતું. જોકે, મનપાની ટીમે જાહેરમાં કચરો ફેંકનારા લોકો સામે કાર્યવાહી કરી હતી.
સુરતમાં સ્વચ્છતા સામે બેદરકારી નહીં ચાલે!
ખાસ વાત એ છે કે સુરત શહેરમાં ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની વ્યવસ્થા હોવા છતાં કેટલાક લોકો દ્વારા જાહેર રસ્તાઓ, ખાડી કિનારા અને અન્ય સ્થળોએ કચરો ફેંકવામાં આવી રહ્યો છે. આવી બેદરકારીના કારણે માત્ર ગંદકી જ નહીં પરંતુ આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા અને પર્યાવરણને પણ અસર થવાની શક્યતા રહે છે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા આવી ડ્રાઇવ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવે તેવી શક્યતા છે. જાહેર સ્થળે કચરો ફેંકનારા લોકો સામે દંડાત્મક કાર્યવાહી સાથે લોકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી રહી છે.




