ગર્લફ્રેન્ડને મેસેજ કરવો ક્રિકેટરને પડ્યો ભારે, ₹1 લાખનો દંડ, જાણો સમગ્ર મામલો


ગર્લફ્રેન્ડને મેસેજ કરવો ક્રિકેટરને પડ્યો ભારે, ₹1 લાખનો દંડ, જાણો સમગ્ર મામલો


BCCI Fine Tamil Nadu Cricketer: ક્રિકેટ મેચ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરવું તમિલનાડુના એક ક્રિકેટરને ભારે પડી ગયું છે. મેચ દરમિયાન પ્રતિબંધિત વિસ્તારમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને ગર્લફ્રેન્ડને મેસેજ કરવા બદલ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની એન્ટી કરપ્શન એન્ડ સિક્યુરિટી યુનિટ (ACSU) દ્વારા ક્રિકેટર સામે કાર્યવાહી કરવામાં આવી છે. ક્રિકેટર પર ₹1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે અને તેને તમિલનાડુ પ્રીમિયર લીગ (TNPL)માં રમવા પર પણ રોક લગાવવામાં આવી છે.
26 વર્ષીય ક્રિકેટર સામે કાર્યવાહી
આ મામલામાં જે ક્રિકેટર સામે કાર્યવાહી કરવામાં આવી છે તેની ઉંમર 26 વર્ષ હોવાનું સામે આવ્યું છે. તે તમિલનાડુ તરફથી રણજી ટ્રોફીમાં રમી ચૂક્યો છે. જોકે તપાસ ચાલી રહી હોવાથી હાલ તેની ઓળખ જાહેર કરવામાં આવી નથી. તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, આ ખેલાડી ડાબોડી બેટ્સમેન છે અને ગત રણજી ટ્રોફી સિઝનમાં તમિલનાડુ તરફથી રમતા બે અડધી સદી ફટકારી હતી.
મેચ દરમિયાન ગર્લફ્રેન્ડને મેસેજ કરતો હતો
મળતી માહિતી પ્રમાણે ક્રિકેટરે મેચ દરમિયાન Players and Match Officials Area (PMOA)માં પોતાના મોબાઇલ ફોનનો ઉપયોગ કર્યો હતો. આ દરમિયાન તે પોતાની ગર્લફ્રેન્ડને મેસેજ કરી રહ્યો હતો. PMOA મેદાનનો પ્રતિબંધિત વિસ્તાર છે અને અહીં ખેલાડીઓ તથા સપોર્ટ સ્ટાફને મોબાઇલ ફોન, સ્માર્ટવોચ અથવા અન્ય કમ્યુનિકેશન ડિવાઇસ લઈ જવાની મંજૂરી હોતી નથી.
ભ્રષ્ટાચાર કે મેચ ફિક્સિંગનો આરોપ નથી
આ સમગ્ર મામલામાં મહત્વની વાત એ છે કે ક્રિકેટર સામે ભ્રષ્ટાચાર, મેચ ફિક્સિંગ કે સટ્ટાબાજીનો કોઈ આરોપ નથી. તેની સામેની કાર્યવાહી માત્ર PMOAમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને નિર્ધારિત નિયમો અને સુરક્ષા પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા બદલ કરવામાં આવી છે. ACSUએ આ નિયમભંગ અંગે તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન (TNCA)ને જાણ કરી હતી, ત્યારબાદ ખેલાડી સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી.
શું છે BCCIનો PMOA નિયમ?
BCCIના નિયમો પ્રમાણે ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે PMOAમાં પ્રવેશ કરતા પહેલાં પોતાના મોબાઇલ ફોન અને સ્માર્ટવોચ બંધ કરીને નિયુક્ત સુરક્ષા અધિકારીઓ પાસે જમા કરાવવાના હોય છે. આ નિયમનો મુખ્ય હેતુ મેચ દરમિયાન ટીમ સાથે જોડાયેલા લોકો અને બહારના વ્યક્તિઓ વચ્ચે કોઈપણ પ્રકારના અનધિકૃત સંપર્કને રોકવાનો છે. ખાસ કરીને મેચ સંબંધિત સંવેદનશીલ માહિતી બહાર ન જાય તે માટે આ નિયમોનું કડક પાલન કરવામાં આવે છે.
સ્માર્ટ ડિવાઇસ પર પણ ACSUની નજર
ટેક્નોલોજીના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને ACSU દ્વારા ઇલેક્ટ્રોનિક ડિવાઇસ અંગે પણ દેખરેખ વધુ કડક કરવામાં આવી છે. ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને સ્માર્ટ ગ્લાસ અને સ્માર્ટ ગોગલ્સ જેવા ઉપકરણોના ઉપયોગ અંગે પણ ચેતવણી આપવામાં આવી છે. આ પ્રકારના ડિવાઇસ દ્વારા ઓડિયો-વિડિયો રેકોર્ડિંગ અથવા લાઇવ ટ્રાન્સમિશનની શક્યતા હોવાથી તેના પર પણ ખાસ નજર રાખવામાં આવે છે.
અગાઉ IPLમાં પણ આવી કાર્યવાહી થઈ હતી
આ પ્રકારના નિયમભંગનો મામલો અગાઉ IPL 2026 દરમિયાન પણ સામે આવ્યો હતો. રાજસ્થાન રોયલ્સના ટીમ મેનેજર રોમી ભિંડરને ગુવાહાટીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામેની મેચ દરમિયાન ડગઆઉટમાં મોબાઇલનો ઉપયોગ કરતા જોવામાં આવ્યા હતા. BCCIએ તેમનો ખુલાસો સંતોષકારક ન માનતા તેમના પર ₹1 લાખનો દંડ ફટકાર્યો હતો અને ચેતવણી પણ આપી હતી. જોકે, હાલના તમિલનાડુના ક્રિકેટરના કેસમાં કાર્યવાહી વધુ કડક છે, કારણ કે દંડ ઉપરાંત તેને TNPLમાં રમવા પર પણ રોક લગાવવામાં આવી છે. આ પ્રતિબંધ કેટલા સમય સુધી રહેશે તે અંગે હાલ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.




