રાજકોટમાં ફાયરિંગથી હડકંપ! માધાપર ચોકડી નજીક ગોળીબારની ઘટના બની



રાજકોટમાં ફાયરિંગથી હડકંપ! માધાપર ચોકડી નજીક ગોળીબારની ઘટના બની



રાજકોટ: શહેરમાં ફરી એકવાર ફાયરિંગની ઘટના સામે આવી છે, જેના કારણે વિસ્તારમાં ભારે દહેશતનો માહોલ સર્જાયો છે. માધાપર ચોકડી નજીક અને નાગેશ્વર વિસ્તારમાં આવેલા જેટકો ઓફિસ આસપાસ ગઈકાલે બનેલી આ ઘટનાએ પોલીસ તંત્રને પણ દોડતું કરી દીધું હતું.
પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટના પૈસાની ઉઘરાણીના વિવાદને લઈને બની હોવાનું સામે આવ્યું છે. જેમાં દિવ્યરાજ સરવૈયાએ ફાયરિંગ કર્યું હોવાની માહિતી મળી રહી છે. જ્યારે રામદેવ ડાંગર પણ ફાયરિંગ કરવાની તૈયારીમાં હતા, પરંતુ સમયસર અન્ય લોકોએ તેમને દૂર કરી લીધા હતા, જેના કારણે વધુ મોટી ઘટના ટળી હતી.
મળતી માહિતી અનુસાર, દિવ્યરાજ સરવૈયા પાસે હથિયારનું માન્ય લાયસન્સ છે, જ્યારે રામદેવ ડાંગર પાસે હથિયાર લાયસન્સ ન હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં બંને પક્ષો સામસામે આવ્યા હતા અને તણાવ એટલો વધી ગયો કે ફાયરિંગ સુધી મામલો પહોંચ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, રામદેવ ડાંગર વિરુદ્ધ અગાઉથી પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે. બંને પક્ષો બલી ડાંગર ગેંગ સાથે જોડાયેલા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
ફાયરિંગની આ ઘટનાને કારણે નાગેશ્વર અને માધાપર ચોકડી વિસ્તાર સહિત આસપાસના વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો હતો. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને આરોપીઓની ઓળખ તથા ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે.




