ભારે વરસાદ વચ્ચે થરાદમાં શંકર ચૌધરીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક, તંત્રને 24 કલાક એલર્ટ રહેવા સૂચના


ભારે વરસાદ વચ્ચે થરાદમાં શંકર ચૌધરીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક, તંત્રને 24 કલાક એલર્ટ રહેવા સૂચના


બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદ અને આગામી દિવસોમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લા તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે થરાદ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં જિલ્લામાં વરસાદની સ્થિતિ, અસરગ્રસ્ત વિસ્તારો, રાહત અને બચાવ કામગીરી તેમજ આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને જરૂરી પૂર્વ તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
વાવ-થરાદ જિલ્લામાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત બન્યું છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં સરેરાશ 5.71 ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં ભાભર તાલુકામાં સૌથી વધુ 11.30 ઈંચ અને દિયોદર તાલુકામાં 10.83 ઈંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.
સમીક્ષા બેઠક દરમિયાન શંકરભાઈ ચૌધરીએ જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, માર્ગ-મકાન, વીજ વિભાગ, આરોગ્ય વિભાગ સહિત સંબંધિત તમામ વિભાગોના અધિકારીઓ પાસેથી વરસાદી પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી.
અધિકારીઓને 24 કલાક સ્ટેન્ડબાય રહેવા, અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત નજર રાખવા અને જરૂરિયાતમંદ લોકોને સમયસર રાહત તથા બચાવ કામગીરી પહોંચાડવા સૂચના આપવામાં આવી હતી. તેમજ કોઈપણ પ્રકારની આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપવા માટે તંત્રને સજ્જ રહેવા જણાવાયું હતું.




