રિયાલિટી શોથી દૂર રહેવાનું કારણ સુનિધિ ચૌહાને કર્યું જાહેર, કહ્યું- 'મને લાગ્યું હવે આ મારી જગ્યા નથી'


રિયાલિટી શોથી દૂર રહેવાનું કારણ સુનિધિ ચૌહાને કર્યું જાહેર, કહ્યું- 'મને લાગ્યું હવે આ મારી જગ્યા નથી'


Sunidhi Chauhan: લોકપ્રિય ગાયિકા સુનિધિ ચૌહાને લાંબા સમયથી સિંગિંગ રિયાલિટી શોમાં જજ તરીકે ન દેખાવા પાછળનું કારણ પ્રથમ વખત ખુલ્લેઆમ જણાવ્યું છે. અભિનેતા શેખર સુમનના ચેટ શો 'શેખર ટુનાઇટ'માં વાતચીત દરમિયાન સુનિધિએ કહ્યું કે રિયાલિટી શોથી દૂર રહેવાનો નિર્ણય સંપૂર્ણપણે તેમનો પોતાનો હતો.
સુનિધિએ જણાવ્યું કે લાંબા સમય સુધી અનેક સિંગિંગ રિયાલિટી શોનો ભાગ રહ્યા બાદ તેમને લાગ્યું કે હવે તે તેમની યોગ્ય જગ્યા રહી નથી. તેમના મતે સંગીત ક્ષેત્રમાં ટેક્નોલોજીના વધતા ઉપયોગે રિયાલિટી શોની વિશ્વસનીયતા પર અસર કરી છે.
તેમણે કહ્યું કે અગાઉ ઓટો-ટ્યુન અને મેલોડાઇન જેવી ટેક્નોલોજીનો ઉપયોગ માત્ર ગીતોને વધુ અસરકારક બનાવવા માટે થતો હતો, પરંતુ હવે તેનો ઉપયોગ રિયાલિટી શોમાં પણ થવા લાગ્યો છે, જે યોગ્ય નથી. આવા કાર્યક્રમોનો મુખ્ય હેતુ અસલી પ્રતિભાને આગળ લાવવાનો હોવો જોઈએ, પરંતુ જ્યારે તેમણે આ પ્રકારના ફેરફારો જોયા ત્યારે તેમને લાગ્યું કે વસ્તુઓ ખોટી દિશામાં જઈ રહી છે અને તેઓ તેનો ભાગ બની શકતા નથી.
લાઇવ પરફોર્મન્સ દરમિયાન આવતી મુશ્કેલીઓ અંગે વાત કરતાં સુનિધિએ જણાવ્યું કે તેઓ પોતાને ભાગ્યશાળી માને છે, કારણ કે આજ સુધી તેમના સાથે સ્ટેજ પર કોઈ અપ્રિય ઘટના બની નથી. તેમણે કહ્યું કે દર્શકોએ તેમને હંમેશા પ્રેમ અને સન્માન આપ્યું છે.




