Get News Alerts

Never miss breaking news updates.

ડેટિંગ એપ્સ પર નકલી PSI બની ૨૦થી વધુ યુવતીઓને ચૂનો લગાવનાર 'રોકી' પંચાલ ઝડપાયો!

ડેટિંગ એપ્સ પર AI યુનિફોર્મ બતાવી ૨૦થી વધુ યુવતીઓનો શિકાર કરનારો નકલી PSI હિમાંશુ ઉર્ફે રોકી પંચાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરવામાં આવી હતી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદથી પોલીસ યુનિફોર્મવાળા નકલી ફોટા બનાવીને ૨૦થી વધુ યુવતીઓને પોતાની માયાજાળમાં ફસાવનાર નકલી PSI હિમાંશુ ઉર્ફે રોકી પંચાલની ધરપકડ કરવામાં આવી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 22 May 2026 03:46 PM IST
ડેટિંગ એપ્સ પર નકલી PSI બની ૨૦થી વધુ યુવતીઓને ચૂનો લગાવનાર 'રોકી' પંચાલ ઝડપાયો!ડેટિંગ એપ્સ પર નકલી PSI બની ૨૦થી વધુ યુવતીઓને ચૂનો લગાવનાર 'રોકી' પંચાલ ઝડપાયો!

અમદાવાદ: સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્સના માધ્યમથી યુવતીઓને પ્રેમ અને લગ્નની જાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવનારા એક હાઈટેક અને શાતિર નકલી પોલીસ અધિકારીનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદથી પોલીસ યુનિફોર્મવાળા નકલી ફોટા બનાવીને ૨૦થી વધુ યુવતીઓને પોતાની માયાજાળમાં ફસાવનાર નકલી PSI હિમાંશુ ઉર્ફે રોકી પંચાલની ધરપકડ કરવામાં આવી છે.

IT પાસ હિમાંશુની મોડસ ઓપરેન્ડી: AI અને નકલી ડોક્યુમેન્ટ્સનો ખેલ
આરોપી હિમાંશુ પંચાલ આઈટી (IT) ફિલ્ડનું ભણેલો છે અને ટેકનોલોજીનો ઉપયોગ ગુનાખોરી માટે કરતો હતો. તે Shaadi.com, Jivansathi, Bumble, Hinge, Prue અને Clearitytalk Foyer જેવી મેટ્રિમોનિયલ અને ડેટિંગ એપ્સ પર સક્રિય હતો. તેનો મુખ્ય ટાર્ગેટ એકલવાયું જીવન જીવતી ડીવોર્સી (છૂટાછેડા લીધેલ) મહિલાઓ રહેતી હતી.

કોઈપણ વ્યક્તિ છેતરાઈ જાય તેવા હૂબહૂ નકલી દસ્તાવેજો બનાવવામાં તે માહિર હતો. પોતાની જાતને ગુજરાત પોલીસના ક્રાઇમ બ્રાન્ચ સાયબર સેલનો પીએસઆઈ (PSI) ગણાવી તે યુવતીઓને "Government of India, Crime Branch Cyber Security" લખેલું નકલી આઈકાર્ડ બતાવતો હતો. એટલું જ નહીં, યુવતીઓનો પાકો વિશ્વાસ જીતવા માટે તે AI થી બનાવેલા નકલી જોઇનિંગ લેટર અને પોતે સસ્પેન્ડ થયો હોય તેવા ખોટા સસ્પેન્શન લેટર પણ બતાવતો હતો. તે પોતાના સાદા કપડાં પર પણ ગુજરાત પોલીસનો લોગો લગાવીને ફરતો હતો જેથી કોઈને સહેજ પણ શંકા ન જાય.

પૈસા પડાવવા માટે 'ઇન્કમ ટેક્સ રેડ'નું તકલાદી બહાનું
યુવતીઓ એકવાર તેની જાળમાં બરાબર ફસાઈ જાય એટલે હિમાંશુ પોતાનો અસલી રંગ બતાવતો. તે યુવતીઓ સામે નવું નાટક કરતો કે, "મારા પર ઇન્કમ ટેક્સ (I.T.) ની રેડ પડી છે અને મારું બધું જ સીઝ (જપ્ત) થઈ ગયું છે." આ રીતે ઈમોશનલ બ્લેકમેલ કરીને તે યુવતીઓની જ ફાઇનાન્સિયલ એપ્લિકેશનમાંથી પોતાના ખાતામાં ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવી લેતો હતો.

ભોગ બનનાર યુવતીઓના કિસ્સા:
કિસ્સો ૧: બંબલ એપથી એક યુવતીનો સંપર્ક કરી, લગ્ન કરવાના અને મકાન બનાવવાના બહાને ₹૩,૭૮,૭૦૦ પડાવી લીધા. બાદમાં પોલીસ ડિપાર્ટમેન્ટ માટે અર્જન્ટ મોબાઈલ ખરીદવા ફરી પૈસા માંગતા યુવતીને શંકા ગઈ અને આખરે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ.

કિસ્સો ૨: અન્ય એક યુવતીને લગ્નની લાલચ આપી તેનું સિમકાર્ડ અને બેંક એકાઉન્ટ વાપરવા લઈ લીધું અને જુદા જુદા બહાને ₹૧,૮૦,૦૦૦ પડાવી લીધા.

કિસ્સો ૩: હિંજ (Hinge) એપથી એક યુવતીને હોટેલ હિલ્ટોન ખાતે બોલાવી પૈસાની માંગણી કરી હતી, પરંતુ યુવતીને શંકા જતાં તે બચી ગઈ હતી.

મુંબઈમાં બળાત્કારનો ગુનો અને જામીનના પૈસાથી મોજમસ્તી!
આ નકલી અધિકારીનો ગુનાહિત ઇતિહાસ પણ ચોંકાવનારો છે. વર્ષ ૨૦૨૪માં મુંબઈના નાલાસોપારા પોલીસ સ્ટેશનમાં આ નકલી અધિકારી સામે એક યુવતીને હોટેલમાં રોકી, ખોટી ઓળખ આપી બળાત્કાર ગુજારવાનો ગુનો નોંધાયો હતો, જેમાં તે જેલ ભેગો થયો હતો અને હાલ જામીન પર છૂટ્યો હતો.

સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે મુંબઈના કેસમાં જામીન પર છૂટ્યા બાદ, તેણે ઇન્સ્ટાગ્રામ પર એક નવી યુવતીને ફસાવીને કહ્યું કે "મારા જામીન કરાવવામાં બહુ મોટો ખર્ચો થયો છે". આમ કહી તેની પાસેથી ₹૩,૫૦,૦૦૦ પડાવ્યા અને તે જ પૈસાથી તે મુંબઈ અને ગોવા જલસા કરવા ઉપડી ગયો હતો!

માતા-પુત્રની જોડી મળીને આચરતી છેતરપિંડી
તપાસમાં સામે આવ્યું છે કે આરોપી હિમાંશુ પંચાલ અને તેની માતા જ પરિવારમાં સાથે રહે છે. આખા પરિવાર કે અન્ય કોઈ સગા-સંબંધીઓ સાથે તેમનો કોઈ સંબંધ નથી, કારણ કે આ માતા-પુત્રની જોડી બધા સાથે આ જ રીતે છેતરપિંડી કરતી હતી. નિકોલમાં રહેતી તેની એક પારિવારિક બહેનનું પણ અગાઉ હિમાંશુએ સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કર્યું હતું, જે ગુનામાં અમદાવાદ સાયબર ક્રાઇમમાં તેની ધરપકડ થઈ ચૂકી છે. અગાઉ તેઓ અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં ભાડે રહેતા હતા, જ્યાં મકાન માલિકે ઘર ખાલી કરાવતા હાલ તેઓ ઉદયપુર (રાજસ્થાન) અને સુભાષબ્રિજ સાબરમતી ખાતે સરનામું બદલીને રહેતા હતા.

પોલીસે કબજે કરેલો મુદ્દામાલ:
રોકડા રૂપિયા ₹૪૦,૦૦૦/-

એક ઓપ્પો (Oppo) કંપનીનો સ્માર્ટફોન

"GOVERNMENT OF INDIA, CRIME BRANCH CYBER SECURITY" લખેલું નકલી આઈકાર્ડ

ગુજરાત પોલીસના લોગો, લાલ કલરનો પોલીસ બેલ્ટ, ગુજરાત પોલીસના બેજ અને અશોકસ્તંભના સિમ્બોલવાળા સ્ટીકરો (જે તે ચિજવસ્તુ સ્ટોરમાંથી ખરીદીને પોતાની સાથે રાખતો હતો).

હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ હાઈટેક નકલી PSI ની ધરપકડ કરી તેના અન્ય કાળા કારનામાઓ અને ભોગ બનેલી અન્ય મહિલાઓ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.