જામનગરમાં શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ, 6 ડ્રોપઆઉટ બાળકોને ફરી શાળામાં જોડ્યા


જામનગરમાં શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ, 6 ડ્રોપઆઉટ બાળકોને ફરી શાળામાં જોડ્યા


જામનગરમાં શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ ‘સમરસ વિદ્યા સેતુ’ કાર્યક્રમ બાદ સંવેદનશીલ પહેલ હાથ ધરી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મંત્રીશ્રીએ જાતે જ શહેરના વિવિધ વિસ્તારોમાં જઈ શાળા છોડી ચૂકેલા બાળકોના ઘરે રૂબરૂ મુલાકાત લીધી હતી. સોનલનગર, લાલવાડી અને માધાપર ભૂંગા વિસ્તારમાં પહોંચીને તેમણે બાળકો અને તેમના વાલીઓ સાથે સંવાદ કર્યો હતો.
મંત્રીએ બાળકો શાળાથી દૂર થવાના કારણો અંગે જાણકારી મેળવી હતી અને વાલીઓને શિક્ષણનું મહત્વ સમજાવી બાળકોના ભવિષ્ય માટે તેમને નિયમિત શાળાએ મોકલવા અપીલ કરી હતી. રિવાબા જાડેજાના પ્રયાસોથી કુલ છ ડ્રોપઆઉટ બાળકોને ફરી શિક્ષણની મુખ્ય ધારામાં જોડવામાં આવ્યા છે.
સોનલનગરના એક વિદ્યાર્થીને ધોરણ-6માં, લાલવાડીની એક વિદ્યાર્થીનીને ધોરણ-9માં જ્યારે માધાપર ભૂંગા વિસ્તારના ચાર બાળકોને ધોરણ-5 અને ધોરણ-9માં પુનઃપ્રવેશ અપાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મંત્રીએ વાલીઓને સરકારની વિવિધ શૈક્ષણિક યોજનાઓ અંગે પણ માહિતી આપી હતી. વાલીઓએ બાળકોને નિયમિત રીતે શિક્ષણ સાથે જોડાયેલા રાખવાનું વચન આપ્યું હતું. આ મુલાકાત દરમિયાન સ્થાનિક પદાધિકારીઓ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
‘એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે’ તે સંકલ્પને સાકાર કરતી આ પહેલની સ્થાનિક લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.




