નાંદોદના MLAના વિરોધ મામલે જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવની પ્રતિક્રિયા



નાંદોદના MLAના વિરોધ મામલે જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવની પ્રતિક્રિયા



MLA Darshana Deshmukh Controversy: નર્મદાના ધારાસભ્ય ડો. દર્શનાબેન દ્વારા કરવામાં આવેલા ધરણા મામલે જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે પ્રતિક્રિયા આપી છે. નીલ રાવે જણાવ્યું હતું કે, કાર્યક્રમ માટે વક્તાઓની પસંદગી કેન્દ્રમાંથી નક્કી કરવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમ પ્રોટોકોલ મુજબ જ ચાલી રહ્યો હતો. તેમણે કહ્યું કે, સાંસદની લાગણી હતી કે, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખને પણ પોતાનું વક્તવ્ય રજૂ કરવાની તક મળે, પરંતુ આ બાબતે ધારાસભ્યને ગેરસમજ ઊભી થઈ હોવાનું લાગી રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે આગામી દિવસોમાં ચર્ચા દ્વારા આ ગેરસમજ દૂર કરવામાં આવશે. હાલમાં દર્શનાબેન અને પક્ષના આગેવાનો વચ્ચે વાતચીત ચાલી રહી છે અને ટૂંક સમયમાં ઉકેલ આવી જશે તેવી આશા વ્યક્ત કરી હતી.
નીલ રાવે જણાવ્યું કે, આ પાર્ટીના પરિવારની આંતરિક બાબત છે અને તે પરિવારની અંદર જ ઉકેલાય તે માટે પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે ધારાસભ્ય દ્વારા ઉઠાવવામાં આવેલા ચૂંટણી સંબંધિત મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, તેમની પત્ની રાજકારણમાં નથી અને કોઈપણ પ્રકારની ચૂંટણી લડવાની નથી.
જિલ્લા ભાજપ પ્રમુખે પક્ષના કાર્યકરોને સંગઠનને મજબૂત બનાવવા માટે કાર્ય કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, મનસુખદાદા અને દર્શનાબેન દેશમુખ તેમના વડીલો સમાન છે અને તમામ મુદ્દાઓનો ઉકેલ ચર્ચા દ્વારા લાવવામાં આવશે. જો કે, બીજી તરફ ધારાસભ્ય ડો. દર્શના દેશમુખ હજુ પણ ધરણા પર યથાવત બેઠા હોવાનું જાણવા મળી રહ્યું છે.




