રાજકોટ સગીરા સામુહિક દુષ્કર્મ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ, બે આરોપી સગીર



રાજકોટ સગીરા સામુહિક દુષ્કર્મ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ, બે આરોપી સગીર



Rajkot Crime News: રાજકોટ ગ્રામ્ય બાદ હવે રાજકોટ શહેરમાં પણ સગીરવયની દીકરીઓ માટે સોશિયલ મીડિયા ખતરારૂપ બની રહ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરાએ બહેનપણી સહિત બે સગીર અને ડેવિલ ઉર્ફે સાહિલ, સાહિલ ઉર્ફે ઝેરી, મિહિર કુગશીયા, રજાક ઠેબા, ધવલ, આસિફ શાહમદાર સામે અપહરણ, ગેંગરેપ સહિતની બાબતે ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે બીએનએસની વિવિધ કલમો તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કુખ્યાત મિહિર કુગશીયા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જ્યારે બે સગીરને જુવેનાઇલ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. તો પોલીસે ગેંગરેપ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવેલ કાર સહિતની વસ્તુઓ કબજે કરી છે.
ધોરણ 7 સુધી અભ્યાસ કરનારી અને હાલ ઘરકામ કરતી સગીરાને ત્રણ મહિના પહેલાં તેની સગીરવયની બહેનપણી દ્વારા મોબાઈલ ફોન આપવામાં આવ્યો હતો. આ મોબાઈલમાં સિમકાર્ડ ન હોવાથી ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા 16 વર્ષીય સગીરે સિમકાર્ડ અપાવ્યું હતું. ત્યારબાદ સગીરા સોશિયલ મીડિયા ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ પર સક્રિય બની હતી. ભોગ બનનારી સગીરા 15 વર્ષીય બહેનપણી મારફતે ડેવિલ ઉર્ફે સાહિલના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ instagram દ્વારા બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. 29 માર્ચ 2026ના રોજ ડેવિલ ભોગ બનનારી સગીરાને સાહિલ ઉર્ફે ઝેરીના ઘરે લઈ ગયો હતો. જ્યાં તેની સાથે શરીરસંબંધ બાંધવામાં આવ્યા હતા. તેમજ કોઈને વાત નહીં કરવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ ઘટનાથી ભયભીત બનેલી સગીરાએ બાદમાં ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.
6 મે 2026ના રોજ સગીરા અને તેની બહેનપણી ઘરની બહાર બેઠા હતા, ત્યારે એક્ટિવા પર આવેલા બે યુવકોને બોલાવવામાં આવ્યા હતા. જેમાં એકની ઓળખ સમીર સંધી અને બીજાની ઓળખ મિહિર કુગશીયા તરીકે આપવામાં આવી હતી. ત્યારબાદ મિહિર સગીરાને બસ સ્ટેશન પાછળ આવેલી એસ.કે. હોટલમાં લઈ ગયો હતો. જ્યાં તેણે ઓળખ પોલીસ તરીકે આપી અને હોટલના રૂમમાં લઈ જઈ સગીરા સાથે શરીરસંબંધ બાંધ્યો હતો. બીજા દિવસે ફરી મિહિરે સગીરાને બસ સ્ટેશનના ત્રીજા માળે આવેલી હોટલમાં બોલાવી ફરી શારીરિક સંબંધ બાંધ્યા હતા અને ધમકી આપી હતી કે, જ્યારે બોલાવું ત્યારે આવવું પડશે.
16 મે 2026ના રોજ પાડોશમાં રહેતા રજાક ઠેબાએ instagram પર મેસેજ કરી સગીરાને શાળા નંબર 63 પાસે બોલાવી હતી. ત્યારબાદ તેને એક્ટિવામાં બેસાડી બસ સ્ટેશન પાછળ આવેલી હોટલમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 17 મેના રોજ રાત્રે રજાકે ફરી instagram પર મેસેજ કરી સગીરાને બહાર બોલાવી હતી. ત્યારબાદ સફેદ રંગની Swift કારમાં બેસાડી આસિફ શાહમદાર અને ધવલ નામના વ્યક્તિઓને પણ કારમાં બેસાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ત્રણેય દ્વારા સગીરા સાથે વારાફરતી શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
18 તારીખે સગીરાના પિતાને મોબાઈલ ફોન મળી આવ્યો હતો. મોબાઈલ બાબતે પૂછપરછ કરતાં સગીરાએ બહેનપણી દ્વારા મોબાઈલ મળ્યો હોવાનું જણાવ્યું હતું. બાદમાં વધુ પૂછપરછમાં છેલ્લા ત્રણ મહિનામાં બનેલી સમગ્ર ઘટના બહાર આવી હતી. ત્યારબાદ પરિવાર દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો અને ગુનો નોંધવામાં આવ્યો હતો. ભક્તિનગર પોલીસ દ્વારા 24 વર્ષીય ધવલ રાઠોડ, 22 વર્ષીય મિહિર કુગશિયા, 24 વર્ષીય સાહિલ ઉર્ફે ઝેરી સહિતના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કે, ભોગ બનનાર 14 વર્ષીય સગીરાની 15 વર્ષીય બહેનપણી તેમજ 16 વર્ષીય સગીરને જુવેનાઇલ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.
ભક્તિનગર પોલીસ દ્વારા તપાસના કામે હોટલના સીસીટીવી ફૂટેજ તેમજ દુષ્કર્મના કામે હોટલના ચેકઇન સમયે જે આઈડી પ્રૂફ આપવામાં આવ્યા હતા તે બાબતે પણ જરૂરી પુરાવાઓ પોલીસ દ્વારા એકત્રિત કરવામાં આવ્યા છે. તો સાથે જ ગુનાના કામે વાપરવામાં આવેલી કાર પણ કબજે કરાઈ છે. તેમજ ગુનાના સમયે વાપરવામાં આવેલા કપડાં આરોપીઓ તેમજ ભોગ બનનારનું મેડિકલ સહિતની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. બુધવારના રોજ ત્રણેય પુખ્ત આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જેમાંથી ધવલ રાઠોડ અને હિસ્ટ્રીશિટર મિહિર કુગશીયાના રિમાન્ડની માગણી કરવામાં આવશે. જ્યારે કે, કોર્ટના હુકમ બાદ સાહિલ ઉર્ફે ઝેરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવશે.
સમગ્ર કેસમાં સામે આવેલા મિહિર કુગશીયા સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મિહિર સામે એ ડિવિઝન, ભક્તિનગર, બી ડિવિઝન અને ગોંડલ સહિતના પોલીસ સ્ટેશનોમાં લોકોને પોલીસ તરીકે ઓળખ આપી તોડબાજીના સાત જેટલા ગુનાઓ નોંધાયેલા છે. એટલું જ નહીં, તેના વિરુદ્ધ બે વખત પાસા એક્ટ હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી છે. તેમ છતાં જેલમાંથી બહાર આવ્યા બાદ પણ મિહિર ફરીથી પોલીસ તરીકે ઓળખ આપી ગુનાહિત પ્રવૃત્તિઓ કરતો હોવાનું સામે આવતા સમગ્ર મામલે અનેક સવાલો ઉભા થયા છે.
રાજકોટમાં સામે આવેલી ગેંગરેપની આ ઘટના સગીરવયના બાળકીઓના માતા-પિતાઓ માટે ચેતવણી સમાન બની છે. ખાસ કરીને સગીર બાળકોના મોબાઈલ ઉપયોગ અને સોશિયલ મીડિયા એક્ટિવિટી પર નજર રાખવાની જરૂરિયાત ફરી એક વખત સામે આવી છે. તો બીજી તરફ આ ઘટનાએ રાજકોટ શહેર પોલીસની કામગીરી ઉપર પણ કેટલાક સવાલો ઉભા કર્યા છે. શા માટે આ પ્રકારના ગંભીર ગુનાઓમાં સગીરવયની બાળકીઓને રૂમ પ્રોવાઇડ કરનારા હોટલ સંચાલકો તેમજ માલિકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નથી આવતી.




