રાજકોટ દુષ્કર્મ-પોક્સો કેસમાં વધુ એક આરોપીની ધરપકડ, મૃતકની રેકી કરતો હતો



રાજકોટ દુષ્કર્મ-પોક્સો કેસમાં વધુ એક આરોપીની ધરપકડ, મૃતકની રેકી કરતો હતો



રાજકોટ: દુષ્કર્મ અને પોક્સો કેસની પીડિતાના કાકાની હત્યાના કેસમાં રાજકોટ ગ્રામ્ય પોલીસે વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હત્યા કેસમાં સંડોવાયેલા ત્રીજા આરોપી પૃથ્વીરાજસિંહ જાડેજાની ધરપકડ કરી છે.
પોલીસ તપાસ મુજબ, પૃથ્વીરાજસિંહ જાડેજા મૃતકની સતત રેકી કરતો હતો અને મૃતકની હિલચાલ અંગેની તમામ માહિતી પોતાના કૌટુંબિક ભાઈઓને પહોંચાડતો હતો. મૃતક કઈ ગાડીમાં ફરતો હતો, કયા સમયે કયા માર્ગ પરથી પસાર થતો હતો જેવી મહત્વપૂર્ણ વિગતો આરોપી દ્વારા શેર કરવામાં આવતી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી ઈન્સ્ટાગ્રામની વોઈસ કોલ સુવિધાનો ઉપયોગ કરીને કૌટુંબિક ભાઈઓને મદદ કરતો હતો. બનાવના દિવસે પણ પૃથ્વીરાજસિંહ જાડેજાએ ઈન્સ્ટાગ્રામ વોઈસ કોલ મારફતે મૃતકની માહિતી અન્ય આરોપીઓને આપી હતી.
પોલીસે આરોપીઓના મોબાઈલ ફોન કબજે લઈ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં તપાસ માટે મોકલી આપ્યો છે. આ સાથે જ મુખ્ય આરોપી મહેન્દ્રસિંહ જાડેજાના કચ્છ ખાતે રહેતા બનેવી સહિતના અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કેસમાં અગાઉ ઝડપાયેલા આરોપી મહેન્દ્રસિંહ જાડેજા અને યશપાલસિંહ હાલ છ દિવસના રિમાન્ડ હેઠળ પોલીસ કસ્ટડીમાં હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.




