રાજકોટ પોલીસની સરાહનીય કામગીરી, 23 પરિવારોને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત કરાવ્યાં



રાજકોટ પોલીસની સરાહનીય કામગીરી, 23 પરિવારોને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત કરાવ્યાં



Rajkot News: રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા વ્યાજખોરી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે નાણાં ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે આરોપી હનીફભાઈ સલાડ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ ગ્રામ્ય એસ.પી કચેરી ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં જણાવાયું કે, આરોપી પાસેથી અંદાજે એક કરોડ રૂપિયાની મિલકતો અને વસ્તુઓ ભોગ બનનારાઓને પરત અપાવવામાં આવી છે.
પરત અપાયેલી વસ્તુઓમાં સોના-ચાંદીના દાગીના, આરસી બુક, કોરા ચેક, વાહનો, મકાનના દસ્તાવેજો તેમજ રોકડ રકમનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કે, ગોંડલ, જેતપુર અને વીરપુર સહિતના વિસ્તારોમાંથી અનેક લોકો સામે આવ્યા હતા અને વ્યાજખોરીના ત્રાસ અંગે રજૂઆતો કરી હતી.
પોલીસ અનુસાર, આરોપી જામીન પર છૂટ્યા બાદ રાજીખુશીથી તમામ વસ્તુઓ પરત કરવા તૈયાર થયો હતો. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન આશરે 23 પરિવારોને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે.
જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરે લોકોને અપીલ કરતાં જણાવ્યું કે, ‘જિલ્લામાં કોઈપણ વ્યાજખોર દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોય તો લોકો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે.’




