રાજકોટમાં પ્રિમોન્સૂન કામગીરીનો પ્રારંભ, 100થી વધુ મશીનો મેદાને



રાજકોટમાં પ્રિમોન્સૂન કામગીરીનો પ્રારંભ, 100થી વધુ મશીનો મેદાને



રાજકોટઃ ચોમાસા પહેલાં મોટેભાદે પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ચોમાસા પૂર્વે રાજકોટને જળબંબાકારથી બચાવવા કમિશનર દ્વારા મોટું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં 100થી વધુ મશીનો મેદાનમાં ઉતારવામાં આવ્યું છે. જૂનના પ્રારંભ સુધીમાં શહેરના તમામ નાળા અને વોકળાની સફાઈ પૂર્ણ કરવાનો મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો છે.
શહેરમાં 100થી વધુ જેસીબી, હીટાચી અને ડ્રેનેજ ક્લિનિંગ મશીનો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરાએ જાતે સ્થળ પર પહોંચી સફાઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય તે માટે કુદરતી જળ પ્રવાહને અવરોધતો કાંપ અને પ્લાસ્ટિકનો કચરો દૂર કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
ડ્રેનેજની સફાઈ માટે આ વખતે વિશેષ ટીમો અને આધુનિક મશીનરીને કામે લગાડવામાં આવી છે. વરસાદી સિઝન શરૂ થાય તે પહેલાં એટલે કે જૂનના પ્રથમ સપ્તાહ સુધીમાં તમામ કામગીરી આટોપી લેવા તંત્રને આદેશ આપવામાં આવ્યો છે. આ મામલે મહાનગરપાલિકા કમિશનર તુષાર સુમેરાએ કહ્યુ છે કે, શહેરના વોકળાઓનું ખુલ્લું હોવું એ વરસાદી પાણીના નિકાલ માટે અનિવાર્ય છે, જે અમારી પ્રાથમિકતા છે.




