રાજકોટના ક્રિષ્ના ઘી ભંડારના નમૂના ફેઇલ, ફૂડ વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી



રાજકોટના ક્રિષ્ના ઘી ભંડારના નમૂના ફેઇલ, ફૂડ વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી



Rajkot News: રાજકોટ શહેરમાં પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયાઓ બેફામ બન્યા છે. નામાંકિત ડેરીઓ અને ખાદ્યપદાર્થોના વિક્રેતાઓને ત્યાંથી પણ સતત અશુદ્ધ અને અખાદ્ય ખોરાક ઝડપાઈ રહ્યો છે, જે ચિંતાનો વિષય બન્યો છે. તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા વિવિધ નમૂનાઓના પૃથક્કરણ રિપોર્ટ (લેબ ટેસ્ટિંગ) જાહેર કરવામાં આવ્યા છે.
આ રિપોર્ટમાં શહેરના જાણીતા 'ક્રિષ્ના ઘી ભંડાર'માંથી લેવામાં આવેલા નમૂનામાં વનસ્પતિ તેલની ભેળસેળ હોવાનું સામે આવ્યું છે. આ વેપારી દ્વારા વધુ નફો કમાવવાની લ્હાયમાં લોકોના સ્વાસ્થ્ય સાથે છેડછાડ કરવામાં આવતી હોવાનું આ રિપોર્ટ પરથી સાબિત થયું છે. જેને પગલે ફૂડ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત આઇસક્રીમના પણ ત્રણ નમૂનાઓ લેવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા 'ક્રિષ્ના ઘી ભંડાર' કેવડાવાડી ગરબી ચોક, કેવડાવાડી મેઇન રોડ ખાતેથી લેવામાં આવેલા ખાદ્યચીજ શુદ્ધ ઘી લૂઝનો નમૂનો ફેલ જાહેર થયો છે. નમૂનાની તપાસ બાદ આવેલા પૃથક્કરણ રિપોર્ટમાં વનસ્પતિ તેલની હાજરી મળી આવી છે. તેમજ BR રીડિંગ, રિચર્ટ વેલ્યૂ અને આયોડિન વેલ્યૂ ધારાધોરણ મુજબ આવ્યા નથી. જેના કારણે આ નમૂનો સબસ્ટાન્ડર્ડ (ફેલ) જાહેર કરાયો છે.
મનપાના આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વાંકાણીના જણાવ્યા મુજબ, આવું ઘી આરોગવાથી વિવિધ રોગો થવાની સંભાવના વધે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને વેપારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, આ ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ ફૂડ વિભાગની ટીમે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે રાખીને નંદનવનથી વગડ ચોકડી વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.
આ દરમિયાન કુલ 19 ધંધાર્થીઓની આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી, જેમાં ફૂડ લાયસન્સ વગર ધંધો કરતી 9 જાણીતી પેઢીઓને નોટીસ ફટકારવામાં આવી છે. જેમાં કુડોઝ આઇસક્રીમ, ગુરુકૃપા આઇસક્રીમ, જલારામ સુરતી લોચો અને અનુ ભાજી-પુલાવ સહિતના 9 વેપારીઓને સત્વરે લાયસન્સ મેળવી લેવા બાબતે નોટિસ ફટકારવામાં આવી છે. આ સાથે જ શીતલ બાકલાવા પિસ્તાચો આઇસક્રીમ અને શ્રદ્ધા કોઠી આઇસક્રીમ મેંગોના નમૂના લઈ પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલાયા છે.




