રાજકોટમાં સગીરા પર સામુહિક દુષ્કર્મનો આક્ષેપ; 4ની ધરપકડ, 4 ફરાર



રાજકોટમાં સગીરા પર સામુહિક દુષ્કર્મનો આક્ષેપ; 4ની ધરપકડ, 4 ફરાર



Rajkot News: રાજકોટ શહેરમાં 15 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ મારફતે થયેલી મિત્રતા બાદ સગીરાને પ્રેમજાળમાં ફસાવી અનેકવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જંગલેશ્વર વિસ્તારની સગીરાનો સંપર્ક સોશિયલ મીડિયા મારફતે આરોપીઓ સાથે થયો હતો. ત્યારબાદ આરોપીઓએ હોટેલ, ઘર તેમજ ચાલતી કારમાં સગીરા પર અત્યાચાર ગુજાર્યો હોવાનો આરોપ છે. કેટલીક ઘટનાઓ દરમિયાન છરીની અણીએ ગેંગરેપ કરવામાં આવ્યો હોવાની પણ ફરિયાદ નોંધાઈ છે.
આ મામલે ડેવિલ ઉર્ફે સાહીલ, સાહીલ ઉર્ફે ઝેરી, મિહિર કુગશીયા, રજાક ઠેબા સહિત કુલ 8 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ભક્તિનગર પોલીસે BNS અને પોક્સો એક્ટ હેઠળ ગંભીર કલમો મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. રજાક ઠેબા, ધવલ અને આશીફ શાહમદારે કારમાં સગીરા સાથે ગેંગરેપ ગુજાર્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, સગીરાની એક સહેલી દ્વારા જ આરોપીઓ સાથે સંપર્ક કરાવવામાં આવ્યો હતો. આથી પોલીસે સગીરાની સહેલીની ભૂમિકાની પણ તપાસ શરૂ કરી છે. આ સમગ્ર ઘટનાને લઈને શહેરમાં ભારે રોષ અને ચકચાર ફેલાઈ છે. સોશિયલ મીડિયા મારફતે સગીરાઓને ટાર્ગેટ બનાવી થતા ગુનાઓને લઈને ફરી એકવાર સુરક્ષા અને જાગૃતિ અંગે સવાલો ઊભા થયા છે.




