રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચનો વધુ એક વિવાદ, માત્ર વીડિયોગ્રાફીનો ખર્ચ 20 લાખથી વધુ!



રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચનો વધુ એક વિવાદ, માત્ર વીડિયોગ્રાફીનો ખર્ચ 20 લાખથી વધુ!



Rajkot Municipal Corporation: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં કરવામાં આવેલી ડિમોલિશન કાર્યવાહી બાદ હવે તેના ખર્ચને લઈને વિવાદ ઊભો થયો છે. ખાસ કરીને ડિમોલિશન દરમિયાન કરાવવામાં આવેલી વીડિયોગ્રાફી માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
મળતી માહિતી મુજબ, ડિમોલિશનની સમગ્ર કાર્યવાહી દરમિયાન સતત ત્રણ દિવસ સુધી વીડિયોગ્રાફી કરાવવામાં આવી હતી. આ કામગીરી માટે બાલાજી નામની એજન્સીને જવાબદારી સોંપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, માત્ર વીડિયોગ્રાફી માટે જ 20 લાખ રૂપિયાથી વધુનું બિલ રજૂ કરવામાં આવ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. આ મુદ્દે મનપાના ખર્ચ અને પારદર્શિતા અંગે અનેક સવાલો ઉભા થયા છે.
આ સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાના સાંસ્કૃતિક વિભાગના મેનેજર કૌશિક ઉનાવા સોમવારે મીડિયાને સત્તાવાર માહિતી આપશે. તેમના નિવેદન બાદ સમગ્ર મામલે હકીકત સ્પષ્ટ થાય તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પાણીના બિલ મુદ્દે અને અધિકારીઓના જમણવારના બિલને લઈને પણ વિવાદ સર્જાયો હતો. ત્યારે હવે આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવે છે કે પછી ભીનું સંકેલી લેવામાં આવે છે તે જોવું રહ્યું.




