રાજકોટને મળ્યા નવા મેયર: ડો. નેહલ શુક્લ 23મા મેયર તરીકે વરણી, સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પરેશ પીપળીયા



રાજકોટને મળ્યા નવા મેયર: ડો. નેહલ શુક્લ 23મા મેયર તરીકે વરણી, સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પરેશ પીપળીયા



રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકામાં સત્તાધારી પક્ષ દ્વારા નવા પદાધિકારીઓના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શહેરના નવા મેયર તરીકે ડો. નેહલ શુક્લની વરણી કરવામાં આવી છે. રાજકોટના 23મા મેયર તરીકે તેમની પસંદગી થતાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જામી છે.
છેલ્લી ઘડીએ પાર્ટી દ્વારા નેહલ શુક્લને ટિકિટ આપવામાં આવી હતી. અગાઉ શૈલેષ જાનીનું નામ મજબૂત માનવામાં આવતું હતું, પરંતુ અંતિમ ક્ષણે તેમની ટિકિટ કાપીને નેહલ શુક્લને તક આપવામાં આવી હતી. હવે મેયર પદ સુધી પહોંચતા રૂપાણી પરિવાર, શુક્લ પરિવાર અને નથવાણી પરિવારમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.
રાજકોટના નવા મેયર તરીકે બ્રાહ્મણ સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિને જવાબદારી સોંપાતા સામાજિક સમીકરણો પર પણ ચર્ચા શરૂ થઈ છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પીપળીયાના નામની જાહેરાત કરવામાં આવી છે. પરેશ પીપળીયા લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે અને તેઓ વોર્ડ નંબર 6માંથી ચૂંટાઈ આવ્યા છે.
ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણીની વરણી કરવામાં આવી છે. દક્ષાબેન લોહાણા સમાજમાંથી આવે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન લોહાણા જ્ઞાતિના પુરુષ ઉમેદવારોને ટિકિટ ન મળતા વિવાદ સર્જાયો હતો. હવે આગામી 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને લોહાણા સમાજમાંથી આવતી મહિલાને ડેપ્યુટી મેયરનું પદ આપવામાં આવ્યું હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.
શાસક પક્ષના નેતા તરીકે ઓબીસી સમાજમાંથી આવતા હિરેન ખીમાણીયાના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે દંડક તરીકે ક્ષત્રિય સમાજના સંજયસિંહ રાણાને જવાબદારી સોંપવામાં આવી છે.
આ નવી ટીમ દ્વારા રાજકોટના વિકાસને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.




