રાજકોટમાં નકલી પોલીસ ઝડપાઈ, યુવાનોને ડરાવી તોડ કરવાનો પ્રયાસ નિષ્ફળ



રાજકોટમાં નકલી પોલીસ ઝડપાઈ, યુવાનોને ડરાવી તોડ કરવાનો પ્રયાસ નિષ્ફળ



Rajkot News: રાજકોટમાંથી નકલી પોલીસ બનીને લોકો પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કરતા બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા શખ્સોના નામ આર્યન ફળદુ અને પરમરાજ માંજરીયા હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, બંને શખ્સો રૈયાધાર વિસ્તારમાં ચાર યુવાનોને રોકીને પોતાને પોલીસ તરીકે રજૂ કરી તેમને ડરાવીને રૂપિયા 50,000ની માગણી કરી રહ્યા હતા. આરોપીઓએ માલવિયાનગર પોલીસ મથકમાંથી આવ્યા હોવાનું કહીને દબદબો ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ રૈયાધાર વિસ્તાર યુનિવર્સિટી પોલીસ મથક હેઠળ આવતો હોવાથી યુવાનોને શંકા થતા તેમણે આરોપીઓ પાસે પોલીસ આઈ-કાર્ડ માગ્યું હતું. આ સમયે બંને શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા.
યુવાનો દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા સમગ્ર મામલો ખુલ્યો હતો. યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી હાથ ધરી બંને નકલી પોલીસની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.




