રાજકોટમાં બાબા બાગેશ્વરનો દરબાર, વિરોધીઓને આમંત્રણ; સમિતિએ સુરક્ષાની જવાબદારી લીધી



રાજકોટમાં બાબા બાગેશ્વરનો દરબાર, વિરોધીઓને આમંત્રણ; સમિતિએ સુરક્ષાની જવાબદારી લીધી



રાજકોટઃ આગામી 5થી 7 જૂન દરમિયાન રાજકોટમાં બાબા બાગેશ્વર તરીકે જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રીના હનુમંત કથા અને દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા કરવામાં આવ્યું હોવાનું આયોજકોએ જણાવ્યું છે.
દરબાર પૂર્વે રાજકોટ શહેરમાં ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના અલગ-અલગ 12 ઝોનમાં કળશ યાત્રા યોજાશે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આયોજક સમિતિએ ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમન માટે વિશેષ વ્યવસ્થાઓ પણ ઉભી કરી છે. સમિતિના જણાવ્યા મુજબ, બાબાના કાફલા સાથે માત્ર ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ કરવામાં આવશે. આ દરમિયાન સમિતિએ ધીરેન્દ્ર શાસ્ત્રીના વિરોધીઓને પણ ખુલ્લું આમંત્રણ આપ્યું છે. સમિતિના પ્રતિનિધિઓએ જણાવ્યું કે, જે કોઈ બાબાના વિરોધી હોય તેઓ દરબારમાં હાજરી આપી શકે છે અને પોતાના પ્રશ્નો રજૂ કરી શકે છે.
સમિતિના જણાવ્યા અનુસાર, ધીરેન્દ્ર શાસ્ત્રીએ પણ આ પડકાર સ્વીકાર્યો છે. આ સાથે જ વિરોધીઓની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી સમિતિ દ્વારા લેવામાં આવશે અને તેમને કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચે તેની ખાતરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારને લઈને અગાઉ પણ અનેક વિવાદો સામે આવી ચૂક્યા છે. ત્યારે રાજકોટમાં યોજાનારા આ કાર્યક્રમ પર સૌની નજર મંડાયેલી છે.




