રાજકોટમાં ગમખ્વાર અકસ્માત, બહુચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસની સહઆરોપી યુવતીનું મોત



રાજકોટમાં ગમખ્વાર અકસ્માત, બહુચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસની સહઆરોપી યુવતીનું મોત



Rajkot Accident: રાજકોટમાં ફરી એકવાર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટ-પોરબંદર હાઇવે પર આ અકસ્માત સર્જાયો હતો. જેમાં બહુચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસની આરોપી યુવતી પૂજા રાજગોરનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, રાજકોટ-પોરબંદર હાઈવે પાસે આવેલા ગોંડલના શ્રીનાથગઢ અને મોવિયા ગામ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ કાર અકસ્માતમાં રીબડાના બહુચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસની આરોપી યુવતીનું મોત નીપજ્યું છે. સાસણથી ફરીને પરત ફરી રહેલા મિત્રોની કાળા રંગની સ્કોડા કાર શ્રીનાથગઢ અને મોવિયા ગામ વચ્ચે 'દાવત બેવરેજીસ' પાસે એક વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
પૂરપાટ ઝડપે જતી કારના અકસ્માતમાં 25 વર્ષીય પૂજા રાજગોર નામની યુવતીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ સાથે કારનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો છે. આ દુર્ઘટનામાં 5 વર્ષની બાળકી સહિત અન્ય 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ અકસ્માતમાં જીવ ગુમાવનારી પૂજા રાજગોર રીબડાના બહુચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસની સહઆરોપી હતી. અન્ય એક ચોંકાવનારી બાબત એ છે કે, અકસ્માતના માત્ર 21 કલાક પહેલાં જ પૂજાએ તેના ઇન્સ્ટાગ્રામ પર કોઈ અજાણ્યા પુરુષ સાથે 'કપલ ફોટો' સ્ટોરીમાં શેર કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ ગોંડલ તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડ્યો છે.




