રાજકોટમાં ચાંદીપુરા વાયરસનો ખતરો, 6 શંકાસ્પદ કેસમાંથી એક પોઝિટિવ



રાજકોટમાં ચાંદીપુરા વાયરસનો ખતરો, 6 શંકાસ્પદ કેસમાંથી એક પોઝિટિવ



રાજકોટ જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના 6 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાંથી 4 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક શંકાસ્પદ દર્દીના સેમ્પલ રિપોર્ટની હજુ રાહ જોવાઈ રહી છે.
ગોંડલ તાલુકાના પંચિયાવાદર ગામમાં ચાંદીપુરા વાયરસનો એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. હાલ એક દર્દી વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે, જ્યારે અન્ય બે દર્દીઓની સ્થિતિ સ્થિર હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
ચાંદીપુરા વાયરસના કેસને પગલે આરોગ્ય વિભાગે પંચિયાવાદર ગામમાં સઘન કામગીરી શરૂ કરી છે. ગામમાં 200થી વધુ ઘરો અને 1000થી વધુ લોકોનો આરોગ્ય સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગની 5થી 6 ટીમો દ્વારા દૈનિક સર્વેલન્સ અને ડસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં આઈઆરએસ સ્પ્રે અને મેલાથિઓન ડસ્ટિંગ પણ કરવામાં આવ્યું છે. આરોગ્ય તંત્રની ટીમો આગામી 10 દિવસ સુધી સતત મોનિટરિંગ કરશે અને પરિસ્થિતિ પર નજર રાખશે.
આ ઉપરાંત ગોંડલ વિસ્તારમાંથી 5 સેન્ડફ્લાય પકડીને ટેસ્ટિંગ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું છે કે આરોગ્ય વિભાગ દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે અને નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.





