રાજકોટમાં વરસાદી માહોલ વચ્ચે રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-ઉધરસના 800 અને તાવના 900 કેસ નોંધાયા



રાજકોટમાં વરસાદી માહોલ વચ્ચે રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-ઉધરસના 800 અને તાવના 900 કેસ નોંધાયા



શહેરમાં વરસાદી માહોલ વચ્ચે રોગચાળો વકર્યો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન રાજકોટ શહેરમાં શરદી-ઉધરસ અને તાવના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ, એક સપ્તાહમાં શરદી-ઉધરસના આશરે 800 જેટલા કેસ જ્યારે તાવના 900 જેટલા કેસ નોંધાયા છે. વરસાદી વાતાવરણને પગલે લોકોના આરોગ્યને લઈને આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે.
રોગચાળો વધુ ન ફેલાય અને લોકોને સમયસર સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેરની બે લાખથી વધુ વસ્તીને આવરી લઈને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સર્વેલન્સ કરવામાં આવ્યું છે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે અને રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
વરસાદી ઋતુ દરમિયાન પાણીજન્ય રોગચાળાની શક્યતા પણ વધી જતી હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. જ્યાં ઝાડા-ઉલટીના કેસ સામે આવી રહ્યા છે, ત્યાં લોકોને ઓઆરએસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેથી ડિહાઇડ્રેશનની સમસ્યાથી બચી શકાય.
આ ઉપરાંત પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે પાણી વિતરણ સમયે પણ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. પાણીની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે તપાસ કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને પણ સાવચેતી રાખવા, સ્વચ્છ પાણી પીવા અને વરસાદી માહોલમાં સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી છે.





