કતારની LNG ફેક્ટરીમાં બ્લાસ્ટ, ભારતીય સહિત 13 લોકોના મોત; 66 ઘાયલ



કતારની LNG ફેક્ટરીમાં બ્લાસ્ટ, ભારતીય સહિત 13 લોકોના મોત; 66 ઘાયલ



Qatar LNG Blast: કતારના રાસ લફાન એલએનજી સંકુલમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ભારતીયો સહિત 13 લોકો માર્યા ગયા છે અને 66 અન્ય ઘાયલ થયા છે. ભારતીય દૂતાવાસે આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે. ઈરાની મિસાઈલ હુમલાથી પ્રભાવિત ગેસ સુવિધા પર કામ ફરી શરૂ થઈ રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો.
કતારના અધિકારીઓએ આ ઘટનાને દેશના સૌથી મોટા LNG ઉત્પાદન અને નિકાસ કેન્દ્ર રાસ લાફાન ઇન્ડસ્ટ્રિયલ સિટીનો ભાગ, બર્ઝાન લોકલ ગેસ સપ્લાય ફેસિલિટી ખાતે ટેક્નિકલ અકસ્માત ગણાવ્યો હતો. કતારના ઉર્જા મંત્રાલયે જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં 13 લોકો માર્યા ગયા છે.
દોહા સ્થિત ભારતીય દૂતાવાસે આ અકસ્માત અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. દૂતાવાસે જણાવ્યું હતું કે, ઘણા લોકો ઘાયલ થયા છે અને કેટલાક ગુમ થયાના અહેવાલ છે. કતારના ઉર્જા મંત્રી સાદ શેરીદા અલ-કાબીએ સોમવારે દોહામાં મૃત્યુઆંકની પુષ્ટિ કરતા તેને ઔદ્યોગિક અકસ્માત ગણાવ્યો હતો.
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પર કબજો મેળવ્યા પછી કતારે તેનું ઉત્પાદન બંધ કરી દીધું હતું. તેનાથી વૈશ્વિક ઉર્જા બજાર પર અસર પડી હતી. કતાર તેના ગ્રાહકોને LNG શિપમેન્ટ મોકલી શક્યું નહીં. યુદ્ધ સમાપ્ત કરવા માટે વાટાઘાટો શરૂ થયા પછી અને ઈરાનની પકડ નબળી પડી ગયા પછી નિકાસ ટર્મિનલ ફરી શરૂ કરવાના પ્રયાસો ચાલી રહ્યા હતા.
સરકારી કંપની કતાર એનર્જીના જણાવ્યા અનુસાર, રવિવારે રાત્રે બર્ઝાન ગેસ સપ્લાય સુવિધામાં કામ દરમિયાન વિસ્ફોટ થયો હતો. ત્યારબાદ આગ લાગી હતી. કતાર વિશ્વના સૌથી મોટા કુદરતી ગેસ ઉત્પાદકોમાંનો એક છે. રાસ લાફાન જેવા મુખ્ય LNG હબમાં આ ઘટના વૈશ્વિક ઉર્જા પુરવઠા અંગે નવી ચિંતાઓ ઉભી કરી રહી છે.




