રાજકોટમાં દેશી દારૂ સામે જનતા રેડ, રહીશોનો ઉગ્ર વિરોધ



રાજકોટમાં દેશી દારૂ સામે જનતા રેડ, રહીશોનો ઉગ્ર વિરોધ



રાજકોટ શહેરના વોર્ડ નંબર 1 માં દેશી દારૂના દૂષણ સામે સ્થાનિક લોકો ખુદ મેદાને ઉતર્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઋષિ વાટિકા સોસાયટીના રહીશો લાંબા સમયથી ચાલતા દેશી દારૂના અડ્ડાઓથી કંટાળી ગયા બાદ ‘જનતા રેડ’ કરી વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર મફતીયા પરા વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે, જેના કારણે મહિલાઓ અને પરિવારજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
રહીશોએ જણાવ્યું કે અનેક વખત પોલીસને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. આક્રોશિત લોકોએ પોલીસ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે પોલીસ માત્ર હપ્તા ઉઘરાવવા જ આવે છે. સ્થાનિકોના કહેવા મુજબ દર મહિને 20 થી 25 હજાર રૂપિયા સુધીના હપ્તા લેવામાં આવે છે, જેના કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળી રહ્યું છે.
જનતા રેડ દરમિયાન સ્થળ પરથી દેશી દારૂની 100 થી વધુ ખાલી પોટલીઓ મળી આવી હતી, જે વિસ્તારની સ્થિતિની ગંભીરતા દર્શાવે છે. રહીશોએ જણાવ્યું કે દારૂના અડ્ડાઓના કારણે ગંદકી, ઝઘડા અને અસામાજિક પ્રવૃત્તિઓ વધી રહી છે, જેના કારણે ખાસ કરીને મહિલાઓ અને બાળકો માટે પરિસ્થિતિ અસુરક્ષિત બની ગઈ છે.
આ સમગ્ર મુદ્દે સોસાયટીના પ્રવેશદ્વારે રાજકીય બહિષ્કારના બેનરો પણ લગાવવામાં આવ્યા છે. “કોઈ પણ રાજકીય પાર્ટીના નેતાઓ મત માંગવા માટે અહીં પ્રવેશ ન કરે” એવા શબ્દોમાં બેનરો લગાવી લોકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. રહીશોનું કહેવું છે કે વર્ષો સુધી સમસ્યાઓ હોવા છતાં કોઈ રાજકીય પક્ષે યોગ્ય ધ્યાન આપ્યું નથી.
સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો તેઓ વધુ ઉગ્ર આંદોલન કરશે. બીજી તરફ, આ સમગ્ર ઘટનાએ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને પોલીસની કામગીરી પર પણ પ્રશ્નચિહ્ન ઊભા થયા છે. હવે જોવાનું રહેશે કે તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે અને રહીશોને રાહત મળે છે કે નહીં.




