ગુજરાતમાં દેશની પ્રથમ ડિજિટલ જનગણના 2027ની તૈયારી શરૂ



AI Image
ગુજરાતમાં દેશની પ્રથમ ડિજિટલ જનગણના 2027ની તૈયારી શરૂ



AI Image
ગાંધીનગર : ગુજરાતમાં Census 2027 માટે તૈયારીઓ સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ડિરેક્ટર ઓફ સેન્સસ ઓપરેશન્સ ગુજરાત દ્વારા દેશની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ જનગણનાનો રોડમૅપ જાહેર કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આ જનગણના ભવિષ્યની નીતિઓ અને વિકાસ યોજનાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.
બે તબક્કામાં થશે જનગણના Census 2027 સમગ્ર દેશમાં બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો “હાઉસલિસ્ટિંગ એન્ડ હાઉસિંગ સેન્સસ (HLO)” તરીકે ઓળખાશે, જે ગુજરાતમાં 1 જૂનથી 30 જૂન 2026 દરમિયાન યોજાશે. આ તબક્કામાં ઘરોની સ્થિતિ, સુવિધાઓ અને ઘરગથ્થુ સંપત્તિ અંગે માહિતી એકત્રિત કરવામાં આવશે.
બીજો તબક્કો “પોપ્યુલેશન એન્યુમરેશન (PE)” તરીકે 9 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન યોજાશે. તેની સત્તાવાર ગણતરી તારીખ 1 માર્ચ 2027ની મધરાત રહેશે. આ તબક્કામાં વસ્તી, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક માહિતી એકત્રિત કરવામાં આવશે. ખાસ કરીને દેશવ્યાપી જાતિ ગણતરી પણ કરવામાં આવશે.
17 મેથી શરૂ થશે Self-Enumeration Portal સરકારે પહેલીવાર Self-Enumeration (SE) Portal શરૂ કર્યો છે, જેના માધ્યમથી લોકો પોતાના ઘરની માહિતી ઓનલાઈન ભરી શકશે.
ગુજરાત માટે આ પોર્ટલ 17 મેથી 31 મે 2026 સુધી ખુલ્લો રહેશે.
પોર્ટલ 16 ભાષાઓમાં ઉપલબ્ધ રહેશે અને ફોર્મ ભરવામાં અંદાજે 15 થી 20 મિનિટનો સમય લાગશે. પરિવારના વડા પોતાના મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કરીને માહિતી ભરી શકશે. માહિતી સબમિટ થયા બાદ 11 અંકનો ખાસ SE ID જનરેટ થશે, જે ‘H’ અક્ષરથી શરૂ થશે. આ ID બાદમાં ઘરે આવતા ગણતરી અધિકારીને બતાવવી પડશે.
મોબાઈલ એપથી થશે માહિતી એકત્રિત ગુજરાતમાં જનગણનાનું કાર્ય વિશાળ સ્તરે હાથ ધરાશે. રાજ્યમાં 34 જિલ્લાઓ, 268 તાલુકાઓ, 197 શહેરો, 17 મહાનગરપાલિકા અને 18,117 ગામોને આવરી લેવામાં આવશે.
આ માટે રાજ્યમાં 1.09 લાખથી વધુ ગણતરી અધિકારીઓ અને 18,254 સુપરવાઇઝરોની નિમણૂક કરવામાં આવી છે. પરંપરાગત કાગળની જગ્યાએ હવે Android અને iOS આધારિત મોબાઈલ એપ્લિકેશન દ્વારા માહિતી એકત્રિત થશે.
ડેટા સુરક્ષા અંગે સરકારે આપી ખાતરી અધિકારીઓએ જણાવ્યું કે જનગણનામાં આપવામાં આવતી તમામ માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રહેશે. ડેટા સુરક્ષા માટે End-to-End Encryption સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે અને માહિતી ISO/IEC 27001:2022 પ્રમાણિત ડેટા સેન્ટરમાં સંગ્રહિત થશે.
Census Act 1948 મુજબ કોઈપણ વ્યક્તિગત માહિતીનો ઉપયોગ ટેક્સ, કાયદાકીય કાર્યવાહી અથવા અન્ય હેતુઓ માટે નહીં થાય.
પ્રથમ તબક્કામાં શું માહિતી ભરવાની રહેશે? પ્રથમ તબક્કામાં ઘર અને મકાનની વિગતો, પાણી-વીજળી જેવી સુવિધાઓ, શૌચાલય, રસોડું, રસોઈ માટેનો ઈંધણ, ઘરમાં રહેનાર લોકોની સંખ્યા અને માલિકી જેવી વિગતો લેવામાં આવશે.
તે ઉપરાંત ટીવી, મોબાઈલ, કમ્પ્યુટર, બાઈક, કાર અને ઈન્ટરનેટ જેવી સુવિધાઓ અંગેની માહિતી પણ લેવામાં આવશે.
બીજા તબક્કામાં વ્યક્તિગત માહિતી લેવાશે બીજા તબક્કામાં દરેક વ્યક્તિની ઉંમર, લિંગ, વૈવાહિક સ્થિતિ, શિક્ષણ, ધંધો, ધર્મ, ભાષા, જાતિ, સ્થળાંતર અને જન્મસ્થળ જેવી માહિતી લેવામાં આવશે.
સરકારે લોકોને જનગણનામાં સક્રિય ભાગ લેવા અને સાચી માહિતી આપવા અપીલ કરી છે. મદદ માટે 1855 ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.




