PM Modi Karnataka Visit: PM મોદી આજે કર્ણાટકને આપશે ₹15,600 કરોડની વિકાસ ભેટ, બેંગલુરુ મેટ્રોની પિંક લાઇન સહિત અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ

PM Modi Karnataka Visit: કર્ણાટકના વિકાસને વેગ આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજ્યમાં ₹15,600 કરોડથી વધુના વિકાસકાર્યોનું ઉદ્ઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.
Nisha Parmar
Nisha Parmar
PM Modi launches Bengaluru Metro Pink Line કર્ણાટક વિકાસ ભેટPM Modi launches Bengaluru Metro Pink Line કર્ણાટક વિકાસ ભેટ

PM Modi launches Bengaluru Metro Pink Line કર્ણાટક વિકાસ ભેટ

PM Modi Karnataka Visit: કર્ણાટકના વિકાસને વેગ આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજ્યમાં ₹15,600 કરોડથી વધુના વિકાસકાર્યોનું ઉદ્ઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સમાં બેંગલુરુ મેટ્રોની પિંક લાઇન, નવીનીકરણીય ઊર્જા, એલપીજી સ્ટોરેજ, રેલવે સ્ટેશનના પુનર્વિકાસ અને વંદે ભારત એક્સપ્રેસનો સમાવેશ થાય છે. વડાપ્રધાન બેંગલુરુ અને મૈસુરુમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ ઉપરાંત તેઓ સભાને સંબોધિત કરશે અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ જોડાશે.

સવારે પ્રશાંતિ કુટિરમથી કાર્યક્રમની શરૂઆત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10:45 વાગ્યે બેંગલુરુના પ્રશાંતિ કુટિરમ પહોંચશે. અહીં તેઓ સ્વામી વિવેકાનંદ યોગ અનુસંધાન સંસ્થાના સ્વર્ણ જયંતી સમારોહમાં ભાગ લેશે. આ સાથે એચ.વી. શેષાદ્રીની જન્મ શતાબ્દી ઉજવણીમાં પણ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે તેઓ સ્વર્ણ જયંતી વહીવટી ભવનનો શિલાન્યાસ કરશે.

બેંગલુરુ મેટ્રોની પિંક લાઇનને લીલી ઝંડી

બપોરે 12:45 વાગ્યે વડાપ્રધાન બેંગલુરુ મેટ્રોની પિંક લાઇનના તવરે કેરેથી IIM-બેંગલુરુ સુધીના 7.5 કિલોમીટરના એલિવેટેડ સેક્શનને લીલી ઝંડી બતાવશે. આ પ્રોજેક્ટ પાછળ આશરે ₹3,470 કરોડનો ખર્ચ થયો છે. વડાપ્રધાન આ મેટ્રોમાં મુસાફરી પણ કરશે. ત્યારબાદ બપોરે 1:15 વાગ્યે તેઓ ₹15,600 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પણ કરશે. આ પ્રસંગે જાહેર સભાને પણ સંબોધિત કરશે.

મંગળુરુમાં દેશનું મોટું ભૂગર્ભ LPG સ્ટોરેજ

વિકાસકાર્યોમાં મંગળુરુ ખાતે આશરે ₹850 કરોડના ખર્ચે તૈયાર થયેલું ભૂગર્ભ LPG સ્ટોરેજ કેન્દ્ર પણ સામેલ છે. તેની સંગ્રહ ક્ષમતા 80 હજાર મેટ્રિક ટન હોવાનું જણાવાયું છે. આ પ્રોજેક્ટમાં ન્યૂ મેંગલોર પોર્ટને મુખ્ય ટર્મિનલ સાથે જોડતી 9.4 કિલોમીટરની LPG પાઇપલાઇનનો પણ સમાવેશ થાય છે. આ સુવિધા LPGના સંગ્રહ અને પરિવહન માટે ઉપયોગી બનશે.

ચાર રેલવે સ્ટેશનનું લોકાર્પણ અને વંદે ભારતને લીલી ઝંડી

વડાપ્રધાન અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનર્વિકસિત ચાર રેલવે સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કરશે. તેમાં ચામરાજનગર, ચિક્કમગલુરુ, સકલેશપુર અને સુબ્રમણ્ય રોડ સ્ટેશનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બેંગલુરુ-મંગળુરુ-મડગાંવ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવીને શરૂ કરવામાં આવશે.

મૈસુરુમાં વૃક્ષારોપણ અને તારામંડળનું ઉદ્ઘાટન

બેંગલુરુના કાર્યક્રમો બાદ વડાપ્રધાન મૈસુરુ જશે. બપોરે 3:30 વાગ્યે ભારત વનમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારબાદ સાંજે 4 વાગ્યે કોસ્મોસ-મૈસુરુ તારામંડળનું ઉદ્ઘાટન કરશે. આ તારામંડળને ભારતનું પ્રથમ LED ડોમ તારામંડળ ગણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : PM Modi Ambaji Visit Cancelled: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 14 નવેમ્બરે યોજાનારો શક્તિપીઠ અંબાજી મંદિરનો પ્રવાસ મોકૂફ