શિક્ષણ મંત્રાલયની જવાબદારી મળતા પ્રહલાદ જોશી બોલ્યા, ‘વડાપ્રધાને મારા પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો’


શિક્ષણ મંત્રાલયની જવાબદારી મળતા પ્રહલાદ જોશી બોલ્યા, ‘વડાપ્રધાને મારા પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો’


શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો સંભાળ્યા બાદ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ રવિવારે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને આ કારણે તેમને નવી જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે કહ્યું કે શિક્ષણ વિભાગ સાથે જોડાયેલી તમામ બાબતોને સમજવા અને તેની સમીક્ષા કરવા માટે તેઓ સતત બેઠકો કરી રહ્યા છે.
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. પેપર લીક અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓને લઈને દેશભરમાં વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું હતું.
પદભાર સંભાળ્યા બાદ પત્રકારો સાથે વાતચીતમાં પ્રહલાદ જોશીએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ તેમના પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે તેઓ રવિવારે સવારે 10 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી સતત બેઠકોમાં વ્યસ્ત રહ્યા હતા અને મંત્રાલયની કામગીરી તથા વિવિધ મુદ્દાઓને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે.
જોશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પણ પોસ્ટ કરીને જણાવ્યું કે તેમણે કેન્દ્રીય શિક્ષણમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. તેમણે આ જવાબદારી સોંપવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો અને કહ્યું કે તેઓ આ જવાબદારીને વિનમ્રતા તથા કર્તવ્યની ઊંડી ભાવના સાથે સ્વીકારે છે.
દરમિયાન, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વડાપ્રધાનની સલાહ પર ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકાર્યું છે. પ્રહલાદ જોશી હવે શિક્ષણ મંત્રાલયની સાથે પોતાના હાલના ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રાલયની જવાબદારી પણ સંભાળશે.




