વસ્તી ગણતરી-2027: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વ-ગણતરી પદ્ધતિનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો



વસ્તી ગણતરી-2027: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વ-ગણતરી પદ્ધતિનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો



ગાંધીનગર: વસ્તી ગણતરી-2027 અંતર્ગત ગુજરાતમાં સ્વ-ગણતરી પદ્ધતિનો ઔપચારિક પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે ઓનલાઈન પોર્ટલ પર પોતાના પરિવારની વિગતો ભરીને આ નવી ડિજિટલ પ્રક્રિયાની શરૂઆત કરી હતી.
આ અવસરે મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોને 17 મે થી 31 મે, 2026 સુધીના નિર્ધારિત 15 દિવસ દરમિયાન ઓનલાઈન અથવા મોબાઇલ માધ્યમથી પોતાની જરૂરી વિગતો સ્વયં ભરીને આ રાષ્ટ્રીય મહત્વની કવાયતમાં સક્રિય ભાગ લેવા અનુરોધ કર્યો હતો.
પ્રથમ વખત અમલમાં મૂકાઈ રહેલી આ સ્વ-ગણતરી પદ્ધતિ અંતર્ગત નાગરિકો હવે ઘરેથી જ સરળતાથી પોતાના ડેટા ઓનલાઈન સબમિટ કરી શકશે. આ માટે કેન્દ્ર સરકારનું પોર્ટલ https://se.census.gov.in ઉપલબ્ધ કરવામાં આવ્યું છે, જેના માધ્યમથી માર્ગદર્શન સાથે માહિતી ભરી શકાય છે.
ગુજરાતમાં સ્વ-ગણતરી બાદ 1 થી 30 જૂન, 2026 દરમિયાન એક લાખથી વધુ ગણતરી કાર્યકર્તાઓ દ્વારા હાઉસ લિસ્ટિંગ ઓપરેશન્સ (HLO) હાથ ધરાશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ ડિજિટલ પદ્ધતિથી વસ્તી ગણતરી વધુ ઝડપી, સુરક્ષિત અને સચોટ બનશે અને નાગરિકોને પણ સરળ ભાગીદારીનો અવસર મળશે. તેમણે રાજ્યના લોકોને “સશક્ત, સમાવિષ્ટ અને વિકસિત ભારત”ના નિર્માણમાં યોગદાન આપવા પણ અપીલ કરી હતી.
આ પ્રસંગે રાજ્યના વસ્તી ગણતરી સંચાલન નિયામક સુજલ મયાત્રાએ મુખ્યમંત્રીને સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું હતું અને સમગ્ર પ્રક્રિયા અંગે વિસ્તૃત માહિતી આપી હતી.




