રાજકોટ વોર્ડ 15માં રાજકીય ખેલ: AAP ઉમેદવાર લાખાભાઈ મોરવાડિયાએ ફોર્મ પરત લઈ ભાજપને ટેકો આપ્યો



રાજકોટ વોર્ડ 15માં રાજકીય ખેલ: AAP ઉમેદવાર લાખાભાઈ મોરવાડિયાએ ફોર્મ પરત લઈ ભાજપને ટેકો આપ્યો



રાજકોટના વોર્ડ નંબર 15માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય સમીકરણોમાં અચાનક ફેરફાર જોવા મળ્યો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાખાભાઈ મોરવાડીયાએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી ભાજપને સમર્થન જાહેર કર્યું છે, જેના કારણે ચૂંટણીમાં નવો વળાંક આવ્યો છે.
મળતી માહિતી મુજબ, લાખાભાઈ મોરવાડીયાના આ નિર્ણય પાછળ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ સોરાણીની ભૂમિકા મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ પ્રવીણભાઈ સોરાણીએ આ રાજકીય ચાલ ચલતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.
વોર્ડ નંબર 15 પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, જ્યાં કોંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠીયા મજબૂત દાવેદાર તરીકે મેદાનમાં છે. જોકે, હવે AAP ઉમેદવારના સમર્થનથી ભાજપે પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે.
આ સમગ્ર રાજકીય ફેરફારને કારણે વોર્ડ નંબર 15માં ચૂંટણી વધુ રસપ્રદ બની ગઈ છે. મતદારોમાં પણ આ બદલાવને લઈને ચર્ચાઓ તેજ બની છે, જ્યારે રાજકીય પક્ષો વચ્ચે ટક્કર વધુ કઠિન બનવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.
મીડિયા સાથે વાતચીત દરમિયાન લાખાભાઈ મોરવાડિયાએ જણાવ્યું હતું કે તેમને વોર્ડ નંબર 15માંથી ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ જરૂરી ટીમ સપોર્ટ ન મળતા તેઓ સંતોષ અનુભવતા નહોતા. તેથી તેમણે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો નિર્ણય લીધો છે.
તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે તેમના સમાજ સાથે પક્ષ દ્વારા અન્યાય કરવામાં આવ્યો છે. વોર્ડ નંબર 6માં અગાઉ તેમના સમાજના બે ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ આવ ખતે આપના લોકોએ વોર્ડ નંબર 6માં અમારા સમાજને એક પણ ટિકીટ આપવામાં આવી નથી.
લાખાભાઈ મોરવાડિયાએ જણાવ્યું કે તેમને ટિકિટ દિલ્હીના નેતાઓ દ્વારા આપવામાં આવી હતી, પરંતુ સ્થાનિક સ્તરે યોગ્ય સહયોગ મળ્યો નહીં. અંતે તેમણે ભાજપને સમર્થન આપવાનો નિર્ણય લીધો હોવાનું પણ તેમણે સ્પષ્ટ કર્યું.




