મંગળ પર NASAનું રોવર ફસાયું, એક અઠવાડિયાની મહેનત પછી સફળતા મળી



મંગળ પર NASAનું રોવર ફસાયું, એક અઠવાડિયાની મહેનત પછી સફળતા મળી



NASA Mission Mangal: મંગળ ગ્રહની ઉબડખાબડ જમીન પર રિસર્ચ કરવા નાસાના ક્યૂરિયોસિટી રોવર સાથે એક દુર્ઘટના ઘટી હતી. જેની આશા મિશન કંટ્રોલમાં બેઠેલા એકપણ વૈજ્ઞાનિકને નહોતી. રોવરની લોખંડ જેવી રોબોટિક ડ્રિલની નીડલને એવી રીતે પકડી લીધું હતું કે, તેને છોડાવતા સાત દિવસનો સમય લાગ્યો હતો. આ દરમિયાન વૈજ્ઞાનિકોના શ્વાસ થંભી ગયા હતા. કારણ કે, રોબોટ ડ્રિલની નીડલ મહત્વપૂર્ણ ભાગ છે. જો તે જામ થઈ જાય તો કરોડો ડોલરનું આ મિશન ખતરામાં મૂકાઈ શકે છે. અંદાજે એક અઠવાડિયાના સંઘર્ષ બાદ નાસાએ રાહતનો શ્વાસ લીધો છે.
અટાકામા ખડકે કેવી રીતે રોવરને બંધક બનાવ્યું?
ક્યૂરિયોસિટી રોવર મંગળના ગેલ ક્રેટર દરિયાકિનારે માઉન્ટ શાર્પના ઢોળાવ પર રિસર્ચ કરી રહ્યું હતું, ત્યારે આ ઘટના બની હતી. જ્યાં વૈજ્ઞાનિકોને અટાકામા નામનો એક ખડક દેખાયો હતો. આ ખડક 1.5 ફૂટ પહોળો અને 6 ફૂટ મોટો હતો. તેનું વજન અંદાજે 13 કિલો હતું. વૈજ્ઞાનિકોને લાગ્યું કે, આ ખડક મંગળના રહસ્યોને સમજવા માટે એકદમ બરાબર છે.’
25 એપ્રિલે જ્યારે રોવરે ડ્રિલિંગ ચાલુ કર્યું, ત્યારે મામલો બીચક્યો હતો. સામાન્ય રીતે ડ્રિલિંગ બાદ રોવર નીડલ પરત ખેંચી લે છે, પરંતુ આ વખતે ડ્રિલ બિટ બાદ આખો ખડક જમીનથી ઊંચો થઈ ગયો હતો અને રોવરમાં ફસાઈ ગયો હતો.
વૈજ્ઞાનિકોએ રોવરની ડ્રિલ બિટ છોડાવવા કયા કયા પ્રયત્નો કર્યા?
જ્યારે ખડક ડ્રિલ બિટમાંથી નીકળ્યો નહીં, તો કોલોરાડોના સ્પેસ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ તેને કાઢવાનો પ્લાન કર્યો. સૌથી પહેલાં 29 એપ્રિલે તેમાં વાઇબ્રેશન પેદા કરવામાં આવ્યું, જેથી ખડક પડી જાય, પરંતુ આ રીતે સફળતા મળી નહીં.
ત્યારબાદ ડ્રિલ બિટની દિશા બદલીને ફરીવાર વાઇબ્રેશન કરવામાં આવ્યું, જેનાથી ખડકના નાના નાના ટુકડાં જ પડ્યાં. આખરે 1લી મેના દિવસે વૈજ્ઞાનિકોએ અંતિમ દાવ રમ્યો. જેમાં ડ્રિલ બિટને ઝડપથી ફેરવવામાં આવ્યું, ત્યારબાદ થોડું નીચું કર્યું અને વાઇબ્રેશન કરતાં જ પહેલી કોશિશમાં સફળતા મળી ગઈ અને ખડક તૂટીને નીચે પડ્યો હતો.
આ ટેક્નિકલ ખામીથી મિશનને શું નુકસાન પહોંચ્યું?
ભલે રોવરની ડ્રિલ બિટ બરાબર હોય, પરંતુ આ ચક્કરમાં વૈજ્ઞાનિકોને એક મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. ડ્રિલિંગ દરમિયાન જે સેમ્પલ ભેગા કરવામાં આવ્યા હતા, તે ખડક હટાવવાની પ્રકિયામાં નષ્ટ થઈ ગયા છે. એટલે કે, રિસર્ચ માટે મહેનતથી એકઠો કરેલો તમામ ડેટા હાથમાંથી સરકી ગયો છે.




