રાજુલામાં પ્રેમલગ્ન કરનાર યુવાનની હત્યા, ત્રણ આરોપી ઝડપાયા



રાજુલામાં પ્રેમલગ્ન કરનાર યુવાનની હત્યા, ત્રણ આરોપી ઝડપાયા



રાજુલા: રાજુલામાં એક વર્ષ પહેલાં પ્રેમલગ્ન કરનાર યુવાનનો કરુણ અંત આવ્યો છે. આરોપીઓએ યુવાનને દોરી અને પટ્ટાથી બાંધીને નિર્દય રીતે માર માર્યો હતો. ગંભીર હાલતમાં દિનેશભાઈને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
રાજુલા તાલુકાના ભાક્ષી ગામના રહેવાસી દિનેશભાઈ ટભાભાઈ સોલંકીએ એક વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા. 18 એપ્રિલની રાત્રે દિનેશભાઈ ખેતરમાં સુતા હતા ત્યારે આરોપીઓ તેમની પાસે પહોંચ્યા હતા. બાદમાં તેમને બાઈક પર બેસાડી એકાંતમાં લઈ જઈ દોરી અને પટ્ટાથી બાંધીને માર મારવામાં આવ્યો હતો. ગંભીર ઈજાઓને કારણે દિનેશભાઈનું મોત થયું હતું. હુમલા બાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
આ બનાવની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને દિનેશભાઈને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. પોલીસે તપાસ દરમિયાન રાજેશ ઉર્ફે રાકેશ ભનુભાઈ સોલંકી અને સુરસિંહ ભનુભાઈ સોલંકીને ઝડપી પાડ્યા હતા.
વધુ તપાસમાં બહાર આવ્યું છે કે દિનેશભાઈએ એક વર્ષ પહેલાં આરોપીઓના પરિવારની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા, જેના કારણે બંને પક્ષોમાં મનદુઃખ અને ઝઘડા ચાલતા હતા. આ મનદુઃખને કારણે આરોપીઓએ તક મળતા દિનેશભાઈ પર હુમલો કર્યો હતો.
ઘટના બાદ મૃતકના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.




