સુરતમાં પરીક્ષામાં AIનો દુરુપયોગ, MBBS સહિત 6 વિદ્યાર્થીઓ પર કાર્યવાહી



AI Image
સુરતમાં પરીક્ષામાં AIનો દુરુપયોગ, MBBS સહિત 6 વિદ્યાર્થીઓ પર કાર્યવાહી



AI Image
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) માં પરીક્ષા દરમિયાન હાઈટેક ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ટેકનોલોજીના વધતા ઉપયોગ વચ્ચે હવે વિદ્યાર્થીઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો દુરુપયોગ કરીને પરીક્ષામાં ગેરરીતિ કરતા હોવાનો આ બનાવ શિક્ષણ જગતમાં ચિંતા ઉભી કરનાર છે.

માહિતી મુજબ, ચાલુ પરીક્ષાઓ દરમિયાન 6 વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં પોતાના સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા હતા. તેઓ પ્રશ્નપત્રના ફોટા પાડી તેને ChatGPT પર અપલોડ કરતા હતા અને ત્યાંથી મળેલા જવાબો પોતાની ઉત્તરવહીમાં લખતા હતા. આ રીતે લાઈવ પરીક્ષા દરમિયાન AI ટૂલનો ઉપયોગ કરીને ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.
યુનિવર્સિટીની ફ્લાઈંગ સ્ક્વોડ ચેકિંગ માટે પહોંચતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. તપાસ દરમિયાન વિદ્યાર્થીઓના મોબાઈલમાં ChatGPT ખુલ્લું જોવા મળ્યું અને તેમાં પ્રશ્નોના જવાબ તૈયાર થઈ રહ્યા હતા. ઝડપાયેલા 6 વિદ્યાર્થીઓમાંથી 2 MBBSના હોવાનું સામે આવતા યુનિવર્સિટી તંત્રમાં પણ આશ્ચર્ય ફેલાયું છે.
આ મામલો Malpractice Prevention & Enquiry Committee સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. સુનાવણી બાદ યુનિવર્સિટીએ તમામ 6 વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ દરેક વિદ્યાર્થીને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
યુનિવર્સિટી તંત્ર આ ઘટનાને ગંભીરતાથી લઈ રહ્યું છે અને હવે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારી પણ શરૂ કરી છે. પરીક્ષાની ગોપનીયતા ભંગ અને ટેકનોલોજીના દુરુપયોગને ધ્યાનમાં રાખીને આવનારા સમયમાં વધુ કડક પગલાં લેવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે.
આ ઘટનાએ શિક્ષણ ક્ષેત્રમાં ટેકનોલોજીના યોગ્ય ઉપયોગ અને નૈતિક મૂલ્યો અંગે ફરીથી ચર્ચા શરૂ કરી છે.




