CWG 2026માં મીરાબાઈ ચાનુએ ભારતને અપાવ્યો પ્રથમ ગોલ્ડ, કોમનવેલ્થ ગેમ્સમાં લગાવી ગોલ્ડની હેટ્રિક


CWG 2026માં મીરાબાઈ ચાનુએ ભારતને અપાવ્યો પ્રથમ ગોલ્ડ, કોમનવેલ્થ ગેમ્સમાં લગાવી ગોલ્ડની હેટ્રિક


ભારતની સ્ટાર વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ 2026ની કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરીને ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે. મીરાબાઈ ચાનુએ મહિલાઓની 48 કિગ્રા વેઈટલિફ્ટિંગ કેટેગરીમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. આ સાથે તેમણે કોમનવેલ્થ ગેમ્સમાં સતત ત્રીજી વખત ગોલ્ડ મેડલ જીતીને ઐતિહાસિક હેટ્રિક પૂર્ણ કરી છે.
મુકાબલાની શરૂઆતમાં જ મીરાબાઈ ચાનુએ 82 કિગ્રા વજન પસંદ કર્યું હતું. જેના કારણે તેઓ અન્ય ખેલાડીઓની સરખામણીએ મોડેથી મેદાનમાં ઉતર્યાં હતાં. આ દરમિયાન નાઈજીરિયા અને શ્રીલંકાની પ્રતિસ્પર્ધી ખેલાડીઓ પોતાના પ્રયાસોમાં નિષ્ફળ રહીને સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ હતી. ત્યારબાદ મીરાબાઈ ચાનુએ શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ પર કબજો કર્યો હતો.
આ પહેલાં પણ મીરાબાઈ ચાનુએ 2018 અને 2022ની કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું હતું. હવે 2026માં વધુ એક ગોલ્ડ મેડલ સાથે તેમણે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલની હેટ્રિક પૂર્ણ કરી છે.
ગોલ્ડ મેડલ જીત્યા બાદ મીરાબાઈ ચાનુએ ભાવુક થઈને કહ્યું કે, તેમણે ક્યારેય રેકોર્ડ તોડવાનો વિચાર કર્યો નહોતો. તેમણે કહ્યું કે જ્યારે તિરંગો લહેરાય છે અને રાષ્ટ્રગાન વાગે છે ત્યારે તેમની આંખોમાં આંસુ આવી જાય છે. મીરાબાઈની આ સિદ્ધિથી સમગ્ર દેશમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.




