ગુજરાત-રાજસ્થાન ATSનું સંયુક્ત ઓપરેશન: ₹25 કરોડનું મેથામ્ફેટામાઈન ડ્રગ્સ ઝડપાયું



ગુજરાત-રાજસ્થાન ATSનું સંયુક્ત ઓપરેશન: ₹25 કરોડનું મેથામ્ફેટામાઈન ડ્રગ્સ ઝડપાયું



અમદાવાદ/જેસલમેર: ગુજરાત એટીએસ (ATS) અને રાજસ્થાન એટીએસ દ્વારા કરવામાં આવેલી એક સંયુક્ત કાર્યવાહીમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસ ટીમે બે આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી આશરે 5 કિલો મેથામ્ફેટામાઈન જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત અંદાજે ₹25 કરોડ આંકવામાં આવી છે.
આ કાર્યવાહી 6 એપ્રિલ 2026ની સાંજે રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં ગુજરાતના બનાસકાંઠાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 68 પર કરવામાં આવી હતી.
ગુપ્ત બાતમીના આધારે ઓપરેશન ગુજરાત એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. પટેલને સચોટ બાતમી મળી હતી કે રાજસ્થાનના શંકરરામ અને સલમાન નામના બે શખ્સો પાકિસ્તાની તસ્કરો પાસેથી મેથામ્ફેટામાઈનનો જથ્થો લઈને ડિલિવરી આપવા માટે આવી રહ્યા છે. આ માહિતી ઉચ્ચ અધિકારીઓ સાથે શેર કરવામાં આવી હતી, ત્યારબાદ પોલીસ અધિક્ષક કે. સિદ્ધાર્થના માર્ગદર્શન હેઠળ સંયુક્ત ટીમ બનાવવામાં આવી હતી.
ઇકો કારમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો તપાસ દરમિયાન એક શંકાસ્પદ ઇકો કારને રોકી તેની તલાશી લેતા, કારમાં સવાર શંકરરામ અને સલમાન પાસેથી એક પીળી થેલી મળી આવી હતી. આ થેલીમાં 5 પારદર્શક પેકેટ હતા, જેમાં પ્રતિબંધિત મેથામ્ફેટામાઈન ડ્રગ્સ છુપાવેલું હતું.
ધરપકડ કરાયેલા આરોપીઓ:
શંકરરામ: રહે. સજ્જન કા પાર, રામસર, બાડમેર (રાજસ્થાન)
સલમાન: રહે. સજ્જન કા પાર, રામસર, બાડમેર (રાજસ્થાન)
પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો
બંને આરોપીઓની ધરપકડ કરી તેમની સામે NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનના થારપારકરથી બાડમેર જિલ્લામાં મોકલવામાં આવ્યો હતો. આરોપીઓના મોબાઈલ ફોનમાંથી વોટ્સએપ ચેટ, કોલ રેકોર્ડિંગ અને વીડિયો સહિતના અનેક ડિજિટલ પુરાવાઓ મળી આવ્યા છે. હાલમાં એટીએસ દ્વારા આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકોની શોધખોળ અને વધુ તપાસ તેજ કરવામાં આવી છે.




