Get News Alerts

Never miss breaking news updates.

72 કરોડના સાંઢિયા પુલમાં ખામીઓ સામે મેયર નેહલ શુક્લા કડક, અધિકારીઓને આપ્યો અલ્ટીમેટમ

રાજકોટના નવા મેયર નેહલ શુક્લા એક્શન મોડમાં... 72 કરોડના સાંઢિયા પુલની મુલાકાત દરમિયાન કામગીરીમાં ખામીઓ સામે આવતા અધિકારીઓને આડે હાથ લીધા... ગુણવત્તા સાથે કોઈ સમાધાન નહીં કરવાની કડક ચેતવણી આપી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 30 May 2026 12:34 PM IST
72 કરોડના સાંઢિયા પુલમાં ખામીઓ સામે મેયર નેહલ શુક્લા કડક, અધિકારીઓને આપ્યો અલ્ટીમેટમ72 કરોડના સાંઢિયા પુલમાં ખામીઓ સામે મેયર નેહલ શુક્લા કડક, અધિકારીઓને આપ્યો અલ્ટીમેટમ

રાજકોટ: રાજકોટ શહેરના નવા મેયર નેહલ શુક્લાએ પદ સંભાળતાની સાથે જ તંત્રને જવાબદારી અને ગુણવત્તા બાબતે કડક સંદેશ આપ્યો છે. શહેરમાં 72 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા સાંઢિયા પુલની મુલાકાત દરમિયાન મેયર સહિતના પદાધિકારીઓએ કામગીરીમાં રહેલી ખામીઓને લઈને અધિકારીઓને આડે હાથ લીધા હતા.

સાંઢિયા પુલની મુલાકાતે મેયર નેહલ શુક્લા, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયા તેમજ શાસક પક્ષના નેતા હિરેન ખીમાણીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. મુલાકાત દરમિયાન નવા નિર્મિત પુલમાં ફિનિશિંગ વર્ક સહિતની કેટલીક ક્ષતિઓ સામે આવતા પદાધિકારીઓએ તંત્ર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.

મેયર નેહલ શુક્લાએ અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, જાહેર સુવિધાઓ માટે કરોડો રૂપિયાના ખર્ચે બનતા પ્રોજેક્ટમાં કોઈપણ પ્રકારની ખામી સહન કરવામાં આવશે નહીં. તેમણે તાત્કાલિક તમામ ક્ષતિઓ દૂર કરીને જરૂરી રિપેરિંગ કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી. સાથે જ ગુણવત્તા બાબતે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે તેવી કડક ચેતવણી પણ આપી હતી.

ઉલ્લેખનીય છે કે, મેયર તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ નેહલ શુક્લા સતત મેદાનમાં ઉતરી શહેરના વિવિધ વિકાસકાર્યો અને નાગરિક સુવિધાઓની સમીક્ષા કરી રહ્યા છે. ગઈકાલે પણ સિવિક સેન્ટરમાં સામાન્ય નાગરિકોને પડી રહેલી મુશ્કેલીઓ મુદ્દે તેમણે અધિકારીઓની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા અને સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

બીજી તરફ નવા પદાધિકારીઓની ટીમ દ્વારા પૂર્વ પદાધિકારીઓને સાથે રાખીને કરવામાં આવી રહેલી મુલાકાતો અને સમીક્ષા બેઠકો રાજકીય તેમજ વહીવટી સ્તરે એકતા અને જવાબદારીનો સંદેશ આપી રહી છે. નવા મેયરની આ સક્રિય કાર્યશૈલી શહેરના વિકાસકાર્યોમાં ગુણવત્તા અને પારદર્શિતાને વધુ મજબૂત બનાવશે તેવી ચર્ચા શહેરમાં શરૂ થઈ છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.