CM યોગીની માતા પર ટીકા કરનાર મૌલાના બિહારથી ધરપકડ



CM યોગીની માતા પર ટીકા કરનાર મૌલાના બિહારથી ધરપકડ



ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમના માતા વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરનાર મૌલાના અબ્દુલ સલીમ હવે કાયદાના સકંજામાં છે. ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ એક મોટા ઓપરેશન હેઠળ મૌલાનાને બિહારથી પકડી બહરાઈચની અદાલતમાં રજૂ કર્યું, જ્યાંથી તેને જેલ હવાલે કરવામાં આવ્યો.
મૌલાના અબ્દુલ સલીમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેણે મુખ્યમંત્રી યોગી અને તેમની માતા વિશે અભદ્ર અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ વીડિયો વાયરલ થતા હિન્દુ સંગઠનો અને સામાન્ય જનતામાં ભારે રોષ ફેલાયો હતો. બહરાઈચ સહિત ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં આ કૃત્યને ધર્મીય લાગણીઓને દુભાવવાનું ગણાવી, આઈટી એક્ટ હેઠળ તેના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
સરકારની સૂચના પ્રમાણે, કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને STF ને તપાસ સોંપવામાં આવી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ટીમે બિહારમાં દરોડો પાડી મૌલાનાને પકડી લીધો. સોમવારે તેને બહરાઈચ પોલીસને સોંપવામાં આવ્યો અને પોલીસ ઉચ્ચ અધિકારીઓએ અંદાજે 30 મિનિટ સુધી કડક પૂછપરછ કરી.
પોલીસ તપાસ કરી રહી છે કે આ કૃત્ય પાછળ કોઈ મોટું ષડયંત્ર અથવા સંગઠનનો હાથ છે કે નહીં. ફરિયાદ વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના કાયદાકીય સેલના જિલ્લા પ્રમુખ અજીત પ્રતાપ સિંહે 8 માર્ચે નોંધાવી હતી. કોર્ટે આરોપીને કડક સુરક્ષા વચ્ચે જેલ મોકલી આપ્યો છે, અને આ મામલે આગળની તપાસ ચાલુ છે.




