વડોદરામાં ઇસ્કોન હાઇટ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતા અફરા તફરીનો માહોલ



વડોદરામાં ઇસ્કોન હાઇટ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતા અફરા તફરીનો માહોલ



વડોદરા : વડોદરાના ગોત્રી વિસ્તારમાં સ્થિત ઇસ્કોન હાઇટ નામની 9 માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં આજે અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગતા જ બિલ્ડિંગમાંથી ઘેરો ધુમાડો ઉઠતા આસપાસના વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ ભાયલી, વડીવાડી તેમજ દાંડીયા બજાર ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડ દ્વારા પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં રાખીને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો, જેથી વધુ ફાયર ફાઈટિંગ વાહનો અને કર્મચારીઓને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા હતા.
બિલ્ડિંગમાં ભારે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા હોવાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. જોકે આગના કારણે બિલ્ડિંગમાં રહેલા ઓફિસ સ્પેસ અને સામાનને નુકસાન થયું હોવાનું અનુમાન છે.
ફાયર વિભાગ અને સ્થાનિક પ્રશાસન દ્વારા પરિસ્થિતિને સંપૂર્ણ નિયંત્રણમાં લેવા કામગીરી ચાલુ રાખવામાં આવી છે. આગ લાગવાના કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




