મોરબીના સનાળા રોડ પર કાર સર્વિસ સેન્ટરમાં ભીષણ આગ: લાખોનો સામાન બળીને ખાખ



મોરબીના સનાળા રોડ પર કાર સર્વિસ સેન્ટરમાં ભીષણ આગ: લાખોનો સામાન બળીને ખાખ



મોરબી: શહેરના સનાળા ગામે રાજપર ચોકડી પાસે આવેલા એક કાર સર્વિસ સેન્ટરમાં ગત રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે દૂર-દૂર સુધી દેખાતી હતી, જેને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. આ દુર્ઘટનામાં સર્વિસ સેન્ટરમાં રહેલો લાખો રૂપિયાનો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો છે.
ઘટનાની વિગત મુજબ, રાજપર ચોકડી પાસે આવેલા 'કાર સ્ટુડિયો' (સર્વિસ સેન્ટર)માં મોડી રાત્રે અકસ્માતે આગ લાગી હતી. જોતજોતામાં આગે આખા સેન્ટરને ઝપેટમાં લઈ લીધું હતું. બનાવની જાણ થતાં જ મોરબી ફાયર બ્રિગેડની 4 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
આગને કારણે સર્વિસ સેન્ટરમાં રાખવામાં આવેલી કારની એસેસરીઝ, મશીનરી અને અન્ય સામાન સંપૂર્ણપણે નાશ પામ્યો છે, જેનાથી સંચાલકોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. સદનસીબે રાત્રિનો સમય હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાની આશંકા સેવાઈ રહી છે, જોકે સત્ય કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




