કેનેડામાં હત્યાનો ભોગ બનેલી બોરસદની દીકરી વિધિ મેઘાનો મૃતદેહ વતન લાવવા સાંસદ મિતેષ પટેલના પ્રયાસો



કેનેડામાં હત્યાનો ભોગ બનેલી બોરસદની દીકરી વિધિ મેઘાનો મૃતદેહ વતન લાવવા સાંસદ મિતેષ પટેલના પ્રયાસો



આણંદ: કેનેડામાં હત્યાનો ભોગ બનેલી આણંદ જિલ્લાના બોરસદની દીકરી વિધિ મેઘાના મૃતદેહને વહેલી તકે ભારત લાવવા માટે આણંદના સાંસદ મિતેષ પટેલ દ્વારા ઉચ્ચસ્તરે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. દુઃખની આ ઘડીમાં શોકગ્રસ્ત પરિવારની વ્હારે આવેલા સાંસદે સમગ્ર મામલે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે.
સાંસદ મિતેષ પટેલે ભારતીય કોન્સ્યુલેટ જનરલ અને Ministry of External Affairs ને ઇ-મેઇલ મારફતે રજૂઆત કરીને વિધિ મેઘાનો મૃતદેહ ઝડપથી પરિવારને સોંપવામાં આવે તેમજ તેને ભારત પરત લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે તેવી માંગ કરી છે.
માહિતી મુજબ, સાંસદ સમગ્ર ઘટનાક્રમ પર સતત નજર રાખી રહ્યા છે અને પરિવારને જરૂરી માર્ગદર્શન તેમજ તમામ પ્રકારની મદદ પૂરી પાડવાની ખાતરી આપી છે. વિધિનો મૃતદેહ વહેલી તકે તેના વતન બોરસદ પહોંચે તે માટે વિવિધ સ્તરે સંકલન અને ફોલોઅપની કામગીરી તેજ કરવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે મૃતદેહને વતન પરત લાવવાની પ્રક્રિયા પરિવાર માટે અત્યંત ભાવનાત્મક અને મુશ્કેલ હોય છે. આવા સમયે સરકારી તંત્ર અને ભારતીય દૂતાવાસ સાથે સીધું સંકલન પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
સાંસદ મિતેષ પટેલે જણાવ્યું હતું કે, "વિધિ મેઘાની હત્યા અત્યંત દુઃખદ ઘટના છે. અમે પરિવારની સાથે છીએ. મૃતદેહ જલ્દી ભારત લાવવા માટે મેં વિદેશ મંત્રાલય અને ભારતીય કોન્સ્યુલેટને લેખિત જાણ કરી છે અને હું વ્યક્તિગત રીતે આ મામલે સતત ફોલોઅપ લઈ રહ્યો છું."




