ધારીમાં સિંહોનો કહેર: 9 સિંહો ગામમાં ઘૂસ્યા, પશુઓને બનાવ્યા શિકાર



ધારીમાં સિંહોનો કહેર: 9 સિંહો ગામમાં ઘૂસ્યા, પશુઓને બનાવ્યા શિકાર



અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલગ્રામમાં સિંહોના ટોળાએ ઘૂસણખોરી કરતાં ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. માહિતી મુજબ, શિકારની શોધમાં આવેલા આશરે 9 સિંહો ગામમાં ઘૂસી આવ્યા હતા અને ત્રણ પશુઓનો શિકાર કર્યો હતો.
ગામના ભક્તિપરા વિસ્તાર તેમજ મુખ્ય બજાર નજીક સિંહોનું ટોળું ત્રાટકતાં લોકોમાં હડકંપ મચી ગયો હતો. રાત્રિના સમયે બનેલી આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સિંહો પશુઓનો શિકાર કરતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સ્થાનિકોએ તાત્કાલિક વનવિભાગને જાણ કરતાં અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વનવિભાગ દ્વારા સિંહોએ મારેલા પશુઓને જંગલ વિસ્તારમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સિંહોના મોનિટરિંગ માટે ટીમોને તૈનાત કરવામાં આવી છે.
ધારી અને ગીર પંથક સિંહોના કુદરતી આવાસ તરીકે ઓળખાય છે, જ્યાં વારંવાર સિંહોના ટોળા ગામની સીમમાં પ્રવેશતા હોય છે. ખોરાકની શોધમાં સિંહો માનવ વસાહતોની નજીક આવી જતા આવી ઘટનાઓ સામે આવતી રહે છે.
આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે અને લોકો રાત્રિના સમયે બહાર નીકળતા પણ સંકોચ અનુભવી રહ્યા છે. વનવિભાગ દ્વારા લોકોને સાવચેત રહેવા અને સિંહોને દૂરથી જ જોવા સૂચના આપવામાં આવી છે.




