Get News Alerts

Never miss breaking news updates.

ખેડા SOGના બે જગ્યાએ દરોડા, ગાંજા સહિત પોષડોડાના મોટા જથ્થા સાથે બેની ધરપકડ

Kheda Police: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ખેડા જિલ્લામાં પોલીસ તંત્ર વધુ સજાગ બન્યું છે. ખાસ કરીને નશીલા પદાર્થોના ગેરકાયદેસર કારોબાર સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ જ દિશામાં ખેડા એસ.ઓ.જી. પોલીસ દ્વારા તાજેતરમાં બે અલગ-અલગ દરોડા પાડી મોટા પ્રમાણમાં માદક પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે.
Admin
AdminUpdated on: 14 Apr 2026 09:36 PM IST
ખેડા SOGના બે જગ્યાએ દરોડા, ગાંજા સહિત પોષડોડાના મોટા જથ્થા સાથે બેની ધરપકડખેડા SOGના બે જગ્યાએ દરોડા, ગાંજા સહિત પોષડોડાના મોટા જથ્થા સાથે બેની ધરપકડ

Kheda Police: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ખેડા જિલ્લામાં પોલીસ તંત્ર વધુ સજાગ બન્યું છે. ખાસ કરીને નશીલા પદાર્થોના ગેરકાયદેસર કારોબાર સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ જ દિશામાં ખેડા એસ.ઓ.જી. પોલીસ દ્વારા તાજેતરમાં બે અલગ-અલગ દરોડા પાડી મોટા પ્રમાણમાં માદક પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે.

અભીપુર ગામે પોષડોડાનો મોટો જથ્થો ઝડપાયો
ખેડા એસ.ઓ.જી.ને મળેલી બાતમીના આધારે કઠલાલ તાલુકાના અભીપુર ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં સોમાભાઈ પુંજાભાઈ ઝાલા પિતા સાથે મળી ગેરકાયદેસર પોષડોડાનો જથ્થો રાખી વેચાણ કરતા હોવાની માહિતી મળી હતી. પોલીસે તપાસ કરતા સ્થળ પરથી કુલ 155.17 કિલોગ્રામ પોષડોડા મળી આવ્યા હતા. જેની અંદાજિત કિંમત ₹23.27 લાખ થાય છે. આ ઉપરાંત રોકડ રકમ અને દસ્તાવેજો સાથે કુલ ₹23.67 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ કેસમાં પુંજાભાઈ હોથાભાઈ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય આરોપી સોમાભાઈ ઝાલા ફરાર હોવાનું જણાઈ આવતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

રૂદણ ગામે ગાંજાનું નેટવર્ક મળ્યું
બીજી કાર્યવાહીમાં મહેમદાવાદ તાલુકાના રૂદણ ગામે એસ.ઓ.જી. ટીમે દરોડો પાડ્યો હતો. અહીં પ્રભાતભાઈ કોદરભાઈ સોલંકી ખેતરમાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરતા હોવાની માહિતી મળી હતી.

પોલીસે તપાસ દરમિયાન ખેતરમાંથી 20.780 કિલો લીલો ગાંજો અને 2.460 કિલો સુકો ગાંજો ઝડપી પાડ્યો છે. આમ, કુલ 23.240 કિલો ગાંજો જપ્ત કર્યો છે, જેની કિંમત અંદાજે ₹11.62 લાખ થાય છે. આ સાથે જ મોબાઇલ ફોન અને રોકડ સહિત કુલ ₹11.67 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કેસમાં પ્રભાતભાઈ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે.

કડક કાયદાકીય કાર્યવાહી
બંને કેસોમાં કઠલાલ અને મહેમદાવાદ પોલીસ મથકોમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. વધુ તપાસ માટે કેસ પી.એસ.આઈ. કક્ષાના અધિકારીઓને સોંપવામાં આવ્યા છે.

ચૂંટણી પૂર્વે પોલીસની સજાગતા
આ કામગીરી ખેડા જિલ્લા એસ.પી. દ્વારા આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને હાથ ધરવામાં આવી છે. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને નશાબંધીના કડક અમલ માટે બાતમીદારોના નેટવર્કને સક્રિય કરવામાં આવ્યું છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.