કપડવંજમાં ફેક્ટરી બ્લાસ્ટ મામલે FSLની તપાસ, ઘટનાસ્થળેથી નમૂના લીધા



કપડવંજમાં ફેક્ટરી બ્લાસ્ટ મામલે FSLની તપાસ, ઘટનાસ્થળેથી નમૂના લીધા



Kapadvanj Factory Blast: ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટની તપાસ માટે હવે FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. જેમાં ફેક્ટરીમાં દારૂખાના સિવાય અન્ય વિસ્ફોટક સમાન બનાવામાં આવતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
આ સાથે જ ફેક્ટરીમાંથી પોટેશિયમ નાઈટ્રેટ નામનો મોટો જથ્થો મળી આવ્યો છે. આ ઘટનામાં કુલ 6 લોકો ઘાયલ થયા હતા. જેમાં બે વ્યક્તિ ગંભીર ઇજાગસ્ત થયા હતા. ફેક્ટરીમાં ગઈકાલે મોહરમની રજા હોવાથી વધારે વ્યક્તિઓ હાજર નહોતા, તેથી મોટી જાનહાનિ ટળી છે. ફેક્ટરીમાં જે દિવેટ બનાવામાં આવતી હતી તે મોટા વિસ્ફોટકમાં વપરાઈ તે પ્રકારની મજબૂત હતી.
આ વિસ્તારમાં મોટેભાગે ક્વોરીઓ આવેલી હોવાથી પથ્થર તોડવા માટેના વિસ્ફોટક બનાવમાં આવતા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં FSL દ્વારા તમામ સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે અને ત્યારબાદ તેની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવશે.
શું હતી સમગ્ર ઘટના?
ખેડા જિલ્લાના કપડવંજ ખાતે ડમ્પિંગ સ્ટેશન સામે આવેલી એક ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આસપાસના વિસ્તારમાં ધરા ધ્રુજી હોય તેવો અનુભવ થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટનામાં 5થી 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જ્યાં વિસ્ફોટ થયો હતો તે મકાન સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયું હતું અને તેના ભુક્કા બોલી ગયા હતા. વિસ્ફોટનો જોરદાર અવાજ સાંભળીને સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. નજીકના ગામોના લોકો પણ ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા.




