‘કાલા હિરણ' ફિલ્મ વિવાદમાં આવી, સલમાન ખાનની લીગલ ટીમે મોકલ્યો નોટિસ



‘કાલા હિરણ' ફિલ્મ વિવાદમાં આવી, સલમાન ખાનની લીગલ ટીમે મોકલ્યો નોટિસ



બોલિવૂડ અભિનેતા સલમાન ખાન સાથે જોડાયેલા કાળા હરણ શિકાર કેસ પર આધારિત ફિલ્મ Kala Hiran: The Battle for Legacy રિલીઝ પહેલાં જ વિવાદમાં સપડાઈ છે. અભિનેતાની લીગલ ટીમે ફિલ્મના નિર્માતાઓને કાનૂની નોટિસ મોકલી ફિલ્મની રિલીઝ અટકાવવાની માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી અનુસાર નોટિસમાં ફિલ્મ સાથે સંબંધિત તમામ પ્રમોશનલ સામગ્રી, જેમાં પોસ્ટર્સ અને અન્ય પ્રચાર સામગ્રીનો સમાવેશ થાય છે, તેને તાત્કાલિક દૂર કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો આ માંગણીઓનું પાલન નહીં કરવામાં આવે તો સંબંધિત પક્ષો સામે વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ફિલ્મનું દિગ્દર્શન ભરત.એસ.શ્રીનેત દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે નિર્માતા અમિત જાની છે. અમિત જાની અગાઉ પણ કેટલાક વિવાદાસ્પદ પ્રોજેક્ટ્સને સમર્થન આપવા માટે ચર્ચામાં રહ્યા છે.
આ કાનૂની વિવાદ વચ્ચે નિર્માતા કંપનીએ ફિલ્મનો ફર્સ્ટ લુક પોસ્ટર જાહેર કર્યો છે. નિર્માતાઓના જણાવ્યા મુજબ ફિલ્મ વાસ્તવિક જીવનની કાનૂની લડાઈઓ અને એક્શનથી પ્રેરિત છે અને તેને આંતરરાષ્ટ્રીય સ્તરની થ્રિલર તરીકે રજૂ કરવામાં આવશે.
અહેવાલો મુજબ ફિલ્મમાં સલમાન ખાન અને ગેંગસ્ટર લોરેન્સ બિશનોઈ વચ્ચેના વિવાદાસ્પદ સંબંધોને સિનેમેટિક અંદાજમાં રજૂ કરવામાં આવશે. ફિલ્મને કોર્ટરૂમ ડ્રામા અને ક્રાઇમ થ્રિલરના મિશ્રણ તરીકે રજૂ કરવાની તૈયારી છે. તેનું ટીઝર 20 જૂને રિલીઝ થવાનું છે.
સલમાન ખાનની લીગલ ટીમના પગલા બાદ હવે ફિલ્મનું ભવિષ્ય અને તેની રિલીઝ અંગે અનિશ્ચિતતા સર્જાઈ છે. ફિલ્મ નિર્માતાઓ તરફથી આગામી દિવસોમાં શું નિર્ણય લેવાશે તેના પર પણ સૌની નજર છે.




